News of Saturday, 3rd May 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2024માં સફળ થયેલા સ્પીપાના 26 તાલીમાર્થીઓનું કર્યું ભવ્ય સન્માન
જાહેર વહીવટમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી લોકોપયોગી કાર્યોને ઝડપી બનાવવા પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભાર: ગુજરાતના ઇતિહાસમાં યુપીએસસી પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ : યુવાનોની સફળતામાં સ્પીપા અને રાજ્ય સરકારની સહાય યોજનાઓનો મહત્વપૂર્ણ ફાળો

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા (સ્પીપા) ખાતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2024માં સફળ થયેલા 26 તાલીમાર્થીઓનું ભવ્ય સન્માન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ યુપીએસસીમાં સફળતા મેળવનાર તાલીમાર્થીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજો અદા કરતી વખતે સામાન્ય માણસને મદદરૂપ થવાનો ભાવ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા જાહેર વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા લોકોપયોગી કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકે છે. મુખ્યમંત્રીએ સફળ તાલીમાર્થીઓને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી જાહેર વહીવટ ક્ષેત્રે તેમની ફરજો અદા કરવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં દેશમાં સેમિકન્ડક્ટર જેવા નવીન ક્ષેત્રોથી લઈને નાગરિકોની પાયાની જરૂરિયાતો સુધીનાં તમામ ક્ષેત્રોમાં અવિરત વિકાસ જોવા મળી રહ્યો છે, તેમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં આપણી સંસ્કૃતિ અને વારસાનું સંવર્ધન થઈ રહ્યું છે. 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ હોય કે આવા અન્ય અભિયાનો હોય, પ્રજાજનો આજે સ્વયંભૂ જાગૃત થઈને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન આપવા આગળ આવી રહ્યા છે.
સ્પીપાના ડાયરેક્ટર જનરલ હારિત શુક્લાએ સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા અને સંસ્થાના ભાવિષ્યલક્ષી આયોજનની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે સિવિલ સર્વિસ પરીક્ષાઓમાં સફળ થતા ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાયમાં કરવામાં આવેલા વધારાની વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ અને સ્પીપા જેવી સંસ્થાઓ ગુજરાતના યુવાઓના સામર્થ્યને યોગ્ય મંચ પૂરો પાડીને તેમને સફળતાના શિખરો સર કરવામાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે.
ગુજરાતના ઇતિહાસમાં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2024માં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે. સ્પીપા ખાતે તાલીમ મેળવીને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2024માં કુલ 26 તાલીમાર્થીઓ સફળ થયા છે.
સન્માન સમારોહમાં સન્માનિત થયેલા તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે સફળ ઉમેદવારોની સિદ્ધિઓ, તૈયારીઓ અને સ્પીપાની વ્યવસ્થા તથા સુવિધાઓ દર્શાવતી ટૂંકી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, તાલીમાર્થીઓના પરિવારજનો, સ્પીપાના અધિકારી-કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
