<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

વડોદરાના સમલાયા કરચીયા રોડ પર ડમ્પરે મોટર સાયકલને ટક્કર મારતા સાળો-બનેવી બન્ને રોડ ઉપર ફંગોળાયાયા : ઘટના સ્થળે મોત

સાવલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત સર્જી પોતાનું વાહન ઘટના સ્થળે મુકી ફરાર થઇ ગયેલા ચાલક સામે પ્રાણઘાતક અકસ્માતનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

વડોદરા : રાજયોના શહેર-જિલ્લામાં બેફામ દોડતા વાહનોને કારણે પ્રાણઘાતક અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે વડોદરાના સાવલીની નિર્માણાધીન કંપનીમાં કલર કામ કરતા સાળો-બનેવી જરૂરી સામાન ખરીદી મોટર સાયકલ ઉપર પરત ફરતા હતા. ત્યારે બેફામ દોડતા ડમ્પરે બાઈકને ટક્કર મારતા રોડ પર ફંગોળાયેલા યુવાનના માથા અને છાતી ઉપર તોતીંગ ટાયર ફરી વળતા લોહીના ખાબોચીયા વચ્ચે તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. 

વડોદરા શહેરના કલાલી ફાટક ખિસકોલી સર્કલ પાસે સંતોષીનગરમાં રહેતા 20 વર્ષીય સતીષ શ્યામ બિહારી હરિજન (ચમાર) તેના પિતા શ્યામબિહારી, તેમજ બનેવી પ્રમોદકુમાર અને રામકુમાર ગૌર સાવલીના જૂના સમલાયા નજીક બની રહેલી નૈવૈધ કંપનીમાં કલર કામ કરતા હતા. સતીષ બનેવી પ્રમોદકુમાર સાથે નાસ્તો અને ઘરનો સામાન લેવા માટે સમલાયા કરચીયા રોડ ઉપર ગયા હતા અને સામાન ખરીદી પલ્સર મોટર સાયકલ ઉપર કંપની ઉપર પરત ફરતા હતા. ત્યારે જાગૃતિ ઇન્ડસ્ટ્રીઝ કંપની નજીક પાછળથી ધસી આવેલા ડમ્પરે મોટર સાયકલને ટક્કર મારતા સાળો-બનેવી બન્ને રોડ ઉપર ફંગોળાયાયા હતા. સતીષને સામાન્ય ઈજા થઈ હતી પરંતુ તેના બનેવી પ્રમોદકુમાર હિરાલાલ હરિજન ના માથા અને છાતી ઉપરથી ડમ્પરના પાછળના તોતીંગ ટાયરો ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. 

આ બનાવને પગલે લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી સતીષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સાવલી પોલીસે પ્રમોદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત સર્જી પોતાનું વાહન ઘટના સ્થળે મુકી ફરાર થઇ ગયેલા ચાલક સામે સાવલી પોલીસે પ્રાણઘાતક અકસ્માતનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(1:14 PM IST)