News of Sunday, 4th May 2025
ગુજરાતનો આર્થિક ડંકો : એપ્રિલમાં ₹14,970 કરોડનો વિક્રમી GST વસૂલાત
અનુકૂળ નીતિઓ અને મજબૂત આર્થિક ગતિવિધિઓના પરિણામે અનેક મોટા રાજ્યોને પાછળ છોડ્યું

ગાંધીનગર : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વિકાસનું મોડેલ રાજ્ય બનેલા ગુજરાતે ફરી એકવાર આર્થિક ક્ષેત્રે પોતાની શક્તિનો પરચો આપ્યો છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, એપ્રિલ ૨૦૨૫માં ગુજરાતમાં GSTની વસૂલાત વાર્ષિક ધોરણે ૧૩ ટકાના નોંધપાત્ર વધારા સાથે ₹૧૪,૯૭૦ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. આ સિદ્ધિ માત્ર રાજ્યની સતત મજબૂત થઈ રહેલી આર્થિક પ્રવૃત્તિઓને જ પ્રતિબિંબિત નથી કરતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગો માટે અમલમાં મૂકવામાં આવેલી અનુકૂળ નીતિઓ અને કાર્યક્રમોની સફળતાનો પણ પુરાવો છે. આ આંકડા ભારતના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને પણ સ્પષ્ટપણે દર્શાવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ‘વિકસિત ગુજરાત@૨૦૪૭’ના વિઝન સાથે આગળ વધી રહી છે, જે વડાપ્રધાનના સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું છે. ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’માં ટોચના સ્થાન પર રહેવાથી લઈને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યનો ખિતાબ મેળવનાર ગુજરાત આજે વૈશ્વિક વ્યાપાર ક્ષેત્રે એક તેજસ્વી તારા તરીકે ઉભરી આવ્યું છે.
ગુજરાતે નોંધાવ્યો GST કલેક્શનમાં શાનદાર ગ્રોથ
એપ્રિલ ૨૦૨૫માં ગુજરાતનું કુલ GST કલેક્શન ₹૧૪,૯૭૦ કરોડ રહ્યું છે, જે એપ્રિલ ૨૦૨૪માં નોંધાયેલા ₹૧૩,૩૦૧ કરોડની સરખામણીએ ૧૩ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. GST કલેક્શનના મામલે ગુજરાત દેશમાં મહારાષ્ટ્ર (₹૪૧,૬૪૫ કરોડ) અને કર્ણાટક (₹૧૭,૮૧૫ કરોડ) પછી ત્રીજા ક્રમે છે. જો કે, GST કલેક્શનના ગ્રોથની વાત કરીએ તો, એપ્રિલ ૨૦૨૪માં મહારાષ્ટ્રનો ગ્રોથ ૧૩ ટકા હતો, જે એપ્રિલ ૨૦૨૫માં ઘટીને ૧૧ ટકા થયો છે. જ્યારે ગુજરાતે પોતાનો ૧૩ ટકાનો ગ્રોથ જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતે GSTમાંથી ₹૭૩,૨૮૧ કરોડની આવક મેળવી હતી, જે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ₹૬૪,૧૩૩ કરોડની સરખામણીએ ૧૪ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
મહત્વની વાત એ છે કે ₹૧૪,૯૭૦ કરોડના રેકોર્ડ GST કલેક્શન સાથે ગુજરાતે તમિલનાડુ (₹૧૩,૮૩૧ કરોડ), મધ્યપ્રદેશ (₹૫,૩૦૨ કરોડ), પશ્ચિમ બંગાળ (₹૮,૧૮૮ કરોડ), રાજસ્થાન (₹૬,૨૨૮ કરોડ), ઉત્તરપ્રદેશ (₹૧૩,૬૦૦ કરોડ), પંજાબ (₹૩,૧૦૪ કરોડ), હરિયાણા (₹૧૪,૦૫૭ કરોડ) અને બિહાર (₹૨,૨૯૦ કરોડ) જેવા અનેક મોટા રાજ્યોને પણ પાછળ છોડી દીધા છે.
નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અરુણાચલ પ્રદેશમાં ૬૬ ટકા, નાગાલેન્ડમાં ૪૨ ટકા અને મેઘાલયમાં ૫૦ ટકાનો નોંધપાત્ર ગ્રોથ જોવા મળ્યો છે, જ્યારે લક્ષદ્વીપે તો ૨૮૭ ટકાનો જંગી વધારો નોંધાવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે, ભારત સરકારે એપ્રિલ ૨૦૨૫માં ₹૨,૩૬,૭૧૬ કરોડની વિક્રમી GST આવક મેળવી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ૧૨.૬ ટકા વધારે છે. આ રીતે, ગુજરાતનો GST વસૂલાતનો ગ્રોથ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધારે છે.
આ સિદ્ધિનો શ્રેય રાજ્યની ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ નીતિઓ, ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’માં સતત સુધારા, અસરકારક કર વસૂલાત પ્રણાલી અને રાજ્યમાં જોવા મળી રહેલી મજબૂત આર્થિક ગતિવિધિઓ જેમ કે ઘરેલું વપરાશ અને ઉત્પાદનમાં તેજીને જાય છે. આ તમામ પરિબળો દર્શાવે છે કે ગુજરાત ‘વિકસિત ભારત’ના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માટે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે દેશની કર પ્રણાલીને સરળ બનાવવા માટે ૧ જુલાઈ ૨૦૧૭થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કર્યો હતો. GST એ એક પરોક્ષ કર છે, જે ભારતમાં માલ અને સેવાઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર લાગુ થાય છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
