News of Sunday, 4th May 2025
છત્તીસગઢના ગ્રામીણ વિકાસના અધિકારીઓ ગુજરાતના પ્રવાસે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક
ગુજરાતના ટેકનોલોજી આધારિત શાસન અને સર્વગ્રાહી વિકાસ મોડેલનો અભ્યાસ કરવા છત્તીસગઢનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ગાંધીનગર પહોંચ્યું : બાયસેગ, એનડીડીબી અને બારડોલી સુગરની મુલાકાત લેશે

ગાંધીનગર : છત્તીસગઢ રાજ્યના કવર્ધા જિલ્લાના વહીવટી તંત્રના ૨૬ જેટલા અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના એક પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિ મંડળ છત્તીસગઢ રાજ્યમાં જિલ્લા સંકલિત ગ્રામીણ વિકાસ વ્યૂહરચના અંતર્ગત ગુજરાત મોડેલનો અભ્યાસ કરવા માટે એક સપ્તાહના ગુજરાત પ્રવાસે આવ્યું છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિકાસમાં નવીનતા લાવવા અને અસરકારક યોજનાઓના અમલીકરણના વ્યાપ અને વિસ્તરણમાં ટેકનોલોજીના ઉપયોગની સફળતાને સમજવાનો છે.
કવર્ધા જિલ્લા વહીવટી તંત્રની આ ટીમમાં કબીરધામ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ-પ્રમુખ ઉપરાંત ૧૨ ખેડૂત પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારના વિવિધ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિ મંડળે ગુજરાતના બાયસેગ (BISAG) દ્વારા રાજ્યમાં ઉપયોગમાં લેવાતી જી.આઈ.એસ. (GIS) આધારિત ટેકનોલોજી યુક્ત ગ્રામીણ વિકાસ આયોજન અને અપનાવવામાં આવેલા નવા અભિગમોથી માહિતગાર થવા માટે પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત બાયસેગની મુલાકાતથી કરી છે. એટલું જ નહીં, આ પ્રતિનિધિ મંડળ રાજ્યમાં શેરડી પાકના વિકાસ માટે બાયસેગ કેવી રીતે ઉપયોગી સાબિત થયું છે તેની વિગતો અને શ્રેષ્ઠ પદ્ધતિઓનો પણ અભ્યાસ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની બેઠક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલોજી આધારિત શાસન અને લોક કલ્યાણ તેમજ વિકાસ યોજનાઓના અસરકારક અને સંપૂર્ણ અમલીકરણના કારણે વિકાસના એક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. છત્તીસગઢના પ્રતિનિધિ મંડળના સભ્યોએ પણ ગુજરાતની આ નવીન વિકાસ પ્રણાલીની સફળતા વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો.
પોતાના એક સપ્તાહના પ્રવાસ દરમિયાન છત્તીસગઢનું આ પ્રતિનિધિ મંડળ આણંદ ખાતે આવેલી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની મુલાકાત લેશે અને ડેરી વિકાસ, બાયોગેસ પ્લાન્ટ અને ટકાઉ વિકાસમાં સંસ્થાકીય અનુભવો વિશે વિસ્તૃત માહિતી મેળવશે. આ ઉપરાંત, આ પ્રતિનિધિ મંડળ બારડોલીની સુગર ફેક્ટરીની પણ મુલાકાત લેશે અને શેરડી પાકના ઉત્પાદન અંગે સ્થળ મુલાકાત કરશે, ખાંડસરીમાં શેરડીની પ્રોસેસિંગ પ્રક્રિયાઓ, શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ખાંડસરી એકમોની કામગીરીથી પરિચિત થશે.
છત્તીસગઢના પ્રતિનિધિ મંડળના તમામ સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
