<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સિવિલ સર્વિસમાં સફળ પાટીદાર યુવાનોનું સન્માન : વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન

સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ કેન્દ્રના તાલીમાર્થીઓ અને દાતાઓને પણ સન્માનિત કરાયા : સરદાર પટેલે એક ભારત બનાવ્યું, નરેન્દ્રભાઈ મોદી શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર કરી રહ્યા છે - ભૂપેન્દ્રભાઈ

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ અને ગુજરાત જાહેર વહીવટી સેવામાં સફળ થયેલા પાટીદાર યુવાનોનો સન્માન સમારોહ અમદાવાદ સ્થિત સરદારધામ ખાતે યોજાયો હતો. મુખ્યમંત્રીએ સૌ પ્રથમ પરિસરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે યુવાનોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશી રજવાડાઓને એક કરીને 'એક ભારત'નું નિર્માણ કર્યું હતું, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 'શ્રેષ્ઠ ભારત'ના નિર્માણનું સપનું સાકાર કરી રહ્યા છે. તેમણે રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રાષ્ટ્રીય હિત માટે આકરા નિર્ણયો લેવામાં નરેન્દ્ર મોદી કોઈ કચાશ નહીં છોડે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભાવિ પડકારોનો સામનો કરવા અને 'બેક ટુ બેઝિક'ના મંત્ર સાથે વિકાસ કરવાનો આપણો ધ્યેય છે. બદલાતા સમય અને ટેકનોલોજી સાથે ભારત અને ગુજરાત આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થવું એ તમામ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે.
વિકસિત ભારતના અભિયાનને સ્વાતંત્ર્ય અભિયાન સાથે જોડતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણને આઝાદીના આંદોલનમાં જોડાવાનો અવસર નથી મળ્યો, પરંતુ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના અભિયાનમાં આપણે ચોક્કસ જોડાઈએ. નાનો પ્રયાસ મોટા પરિવર્તનની શરૂઆત છે તેમ જણાવી તેમણે 'એક પેડ મા કે નામ' અને 'જળસંચય' જેવા અભિયાનોમાં જોડાવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં બનતી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓના કેન્દ્રમાં છેવાડાના માનવીના વિકાસનો ખ્યાલ છે, જેને સાકાર કરવામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા યુવાનો અસરકારક યોગદાન આપી શકશે. તેમણે સમાજ અને સરકારના પરસ્પર સહયોગથી બમણી ગતિએ વિકાસ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સમગ્ર આયોજન બદલ સરદારધામ સંસ્થાની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે, મુખ્યમંત્રીના હસ્તે UPSCમાં સફળ થયેલા ચાર પાટીદાર યુવાનો મિતુલભાઈ પટેલ, ઉત્સવભાઈ જોગાણી, રાજનભાઈ જાલોત્રા અને તુષારભાઈ મેંદપરાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પૂર્વ IAS અધિકારીઓ અને હાલ સરદારધામ સાથે સંકળાયેલા ટી.જી. ઝાલાવડિયા, સી.એલ. મીણા, કૃષ્ણકુમાર જાલાન અને શર્માનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સરદારધામ સંસ્થાની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં ઉદાર હૃદયે દાન આપનાર દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં, વિશ્વસ્તરે કરાટે સ્પર્ધામાં ભારતનું નામ રોશન કરનાર અમાયરા પટેલને પણ મુખ્યમંત્રીએ સન્માનપત્ર આપીને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં સરદારધામના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. આ સન્માન સમારોહમાં સરદારધામના ટ્રસ્ટીઓ, આમંત્રિત મહાનુભાવો, સંસ્થાના ફેકલ્ટીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:59 PM IST)