News of Sunday, 4th May 2025
અમદાવાદના નારોલમાં ઝઘડાથી કંટાળીને પત્નીએ ફાંસો ખાઇ આપઘાત કર્યો : પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો
પતિ નાઇટમાં નોકરી કરતો હોવાથી દિવસ દરમ્યાન પત્ની સાથે ઝઘડો કરીને મારઝુડ કરીને હેરાન કરતો અને ઘરની બહાર કાઢી મૂકતો

અમદાવાદનાં નારોલમાં યુવતીએ પતિનાં ત્રાસથી કંટાળી જીવન ટુંકાવ્યું છે. યુવતી પ્રેમલગ્ન કર્યા બાદ પતિ સાથે ભાડાની ઓરડીમાં રહેતી હતી. જ્યારે પતિ નાઇટમાં નોકરી કરતો હોવાથી દિવસ દરમ્યાન પત્ની સાથે ઝઘડો કરીને મારઝુડ કરીને હેરાન કરતો અને ઘરની બહાર કાઢી મૂકતો હતો. ત્યારે ગત 30 એપ્રિલે પણ પતિએ ઝઘડો કરીને પત્નીને ઘરમાંથી કાઢી મૂકતા તે તેની બહેનપણીના ઘરે રોકાઇ હતી. ત્યારે અવારનવાર ઝઘડાથી કંટાળીને પત્નીએ ઘરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે નારોલ પોલીસે મૃતકના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
ગોમતીપુરમાં રહેતા સમસાદખાન રંગરેજ કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં તેઓ ચાર મહિના પહેલા નારોલમાં પરિવાર સાથે ભાડે રહેતા હતા. તે સમયે તેમની પુત્રી કાજલે નારોલના ફૈયાઝઅહેમદ શેખ સાથે ગત 11 જાન્યુઆરી 2025માં પ્રેમલગ્ન કર્યા હતા. જેથી સમસાદખાને પુત્રી સાથે સંબંધ તોડી નાખ્યા હતા. જ્યારે લગ્ન બાદ કાજલ તેના પતિ સાથે નારોલમાં ભાડાના ઘરમાં રહેતી હતી. ત્યારે પતિ ફૈયાઝઅહેમદ કાપડની ફેકટરીમાં નાઇટમાં નોકરી કરતો હતો. જેથી દિવસે ઘરે હોય તે સમયે તે પત્ની કાજલ પર ખોટી શંકા કરીને ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. આટલું જ નહિ તેને ઘરમાંથી બહાર પણ કાઢી દેતો હતો.
ગત 30 એપ્રિલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પત્ની તેની બહેનપણીના ઘરે રોકાવા ગઇ હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે પત્ની ઘરે પરત ગઇ હતી તે સમયે પતિ સૂતો હતો. ત્યારે અગાઉના ઝઘડો થયો હતો અને કાઢી મૂકી હતી તેનું મનમાં લાગી આવતા પત્ની કાજલે સિંલિંગ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે મૃતકના પિતાએ જમાઇ ફૈયાઝઅહેમદ શેખ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવી છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
