News of Sunday, 4th May 2025
રાજપીપળા- રામગઢ વચ્ચે કરજણ નદીનો પુલ અનિશ્ચિત સમય માટે બંધ કરાયો
રાજપીપળાથી રામગઢ કરજણ નદી ઉપરના પુલના બે પિલર જોખમી બનતા પુલ અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યો છે. આ પુલ બંધ થતાં પાંચ ગામના લોકોને પાંચ કિ.મી.નો ફેરો થશે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાથી રામગઢ જતા રસ્તામાં કરજણ નદી ઉપર 6 વર્ષ પહેલા બાંધવામાં આવેલ પુલ જર્જરિત બન્યો છે. પુલના બે પિલર નબળા પડ્યા છે અને પાયાને નુકસાન થતા આ પુલ ફોર વ્હિલ વાહનો અને ભારદારી વાહનો માટે શનિવારથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યો છે. આ બાબત નું તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
વર્ષ 2018-19 માં કરજણ નદી ઉપર આ પુલ બાંધવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ વર્ષમાં જ પુલ ખખડધજ બની ગયો છે. કરોડોના ખર્ચે બનાવેલ આ પુલ બનાવવામાં વપરાયેલી હલકી સામગ્રીના કારણે આ પરિણામ આવ્યુ છે. બે વર્ષ પહેલા ચોમાસા દરમિયાન પુલના એક પિલરને નુકસાન થયુ હતું. દરમિયાન ગત ચોમાસામાં બીજા પિલરને પણ નુકસાન થયુ હતું. હવે આ પુલની ચકાસણી દરમિયાન પાયા પણ ખોખલા બની ગયા હોવાનું બહાર આવ્યુ છે. જેના કારણે આપુલ ઉપર થી મોટા ફોરવીલ વાહનોનાં અવર જવર ઉપર તંત્ર એ પ્રતિબંધ ફરમાવ્યા છે.
જો કે ટુ વ્હિલર અને પગપાળા આ પુલ ઉપરથી જઈ શકાશે તેમ તંત્રનું કહેવું છે. આ પુલ બંધ થવાના કારણે રામગઢ, જીતગઢ, લીમટવાડા અને રિંગણી સહિતના પાંચ ગામોના લોકોને પાંચ કિ.મી.નો ફેરો ફરવો પડશે.
આ પુલ નાં બે પાયા ને બે બ્લોક તોડી રિપેરીંગ કરવા માટે રાજ્ય સરકાર 7 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આગામી દિવસ મા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાનાર છે. અને આ પુલ નું સમારકામ કરી ખુલ્લો મુકાશે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
