<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ધર્મસેવા સાથે જનસેવા જોડી વિકાસ સાથે વિરાસતનો ધ્યેય : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારતની સંસ્કૃતિને વિશ્વમાં ઓળખ મળી - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજના સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ : અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા કૈવલ જ્ઞાન સંપ્રદાયના સેવાકાર્યોને બિરદાવ્યા

અમદાવાદ: કૈવલ જ્ઞાન પીઠાધીશ્વર જગતગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજની ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચોથી વખત વરણી થતાં તેમના સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રેરક ઉદબોધન કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓને સજીવન કરવાનો મહાયજ્ઞ આરંભ્યો છે. તેમણે ધર્મસેવા સાથે જનસેવાને જોડીને વિકાસ સાથે વિરાસતનો ધ્યેય આપ્યો છે અને દેશની આધ્યાત્મિક-ધાર્મિક વિરાસતોનું વિશ્વભરમાં ગૌરવગાન કર્યું છે. મુખ્યમંત્રીએ આચાર્યજીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચોથી વખત વરણી થવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં તીર્થરાજ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભથી ભારતની એકતા અને સંસ્કૃતિની સમગ્ર વિશ્વને ઓળખ થઈ છે. આ મહાકુંભમાં દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓએ સાધુ-સંતો-તપસ્વીઓના દર્શન કરી આસ્થાની ડૂબકી લગાવી છે. તેમણે કૈવલ જ્ઞાન સંપ્રદાય ગુરુગાદી-સારસાપુરીના સપ્તમ કુવેરાચાર્ય અવિચલદેવાચાર્યજી પ્રેરિત ધર્મ અને સમાજ સેવાની પ્રવૃત્તિઓને બિરદાવતા કહ્યું કે, સારસામાં અન્નક્ષેત્ર દ્વારા ભાવિકોને ભોજન સેવા આપવામાં આવી રહી છે. સારસા, બાલકુવેર તથા વારાણસીમાં શ્રદ્ધાળુઓ-યાત્રાળુઓ માટે ધર્મશાળાનું સંચાલન કરવામાં આવે છે. ગૌ-શાળા તથા આપણા પ્રાચીન ગૌ વંશ એવા કાંકરેજી ગાયોનું સંવર્ધન કેન્દ્ર પણ કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભાવસૂત્ર “સરકારના પ્રયાસમાં સમાજનો પ્રયાસ ભળે તો વિકાસની ગતિ બમણી થાય છે”નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અવિચલદેવાચાર્યજી મહારાજના વડપણમાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચની શાળા કોલેજો કાર્યરત છે. આરોગ્ય સુખાકારીની સેવાઓ હોય કે સમૂહ લગ્નોત્સવ, જળ સંચય કે પછી કુદરતી આપત્તિની સ્થિતિ, કોઈ પણ સમયે કૈવલ જ્ઞાન સંપ્રદાય સેવા આપવામાં અગ્રેસર રહે છે. સંગઠન શક્તિમાં કુશળ એવા અવિચલદેવાચાર્યજી મહારાજે વિશ્વ હિન્દુ પરિષદ અને રામ જન્મભૂમિ આંદોલનમાં સમાજ શક્તિને સંગઠિત રાખવાનું કાર્ય પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી માનવજાતને ધર્મ, કરુણા અને શાંતિના માર્ગે દોરી રહી છે, એના પાયામાં આપણો સનાતન ધર્મ રહેલો છે. આ ધર્મ માત્ર ઉપાસના પદ્ધતિ નથી પરંતુ જીવન જીવવાનો એક સંકલિત દ્રષ્ટિકોણ છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. એટલું જ નહીં, વિકસિત ભારતના નિર્માણ માટે ‘સર્વની સેવા’ માટેના ૯ સંકલ્પો આપણને આપ્યા છે. આ બધા સંકલ્પો પાર પાડવામાં સંત શક્તિ સમાજનું માર્ગદર્શન કરે અને તેમના આશીર્વાદ મળતા રહે તેવી અપેક્ષા છે.
જગતગુરુ અવિચલદેવાચાર્યજીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર, સૌના કલ્યાણ અને વિકાસ માટે કાર્ય કરી રહી છે. સાથે-સાથે ધર્મ, સમાજ અને સંસ્કૃતિના ઉત્થાન માટે પણ આ સરકાર કાર્યરત છે, તેથી ભારતનો સમગ્ર સંત સમાજ આવા આગવા જનનાયકો અને તેમના નેતૃત્વમાં કાર્યરત સરકારની કામગીરીથી સંતુષ્ટ છે અને તેમની અવિરત પ્રગતિની કામના કરે છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ પ્રસંગે ભારતમાં ધર્મ સત્તા અને રાજ્ય સત્તાના સમન્વયથી ભારતીયોના સર્વાંગી વિકાસ અને કલ્યાણની વિભાવના સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, સંત શક્તિના બળે જ હિન્દુસ્તાનનો આત્મા અખંડ અને અમર રહ્યો છે. ભારત રાષ્ટ્ર તેના સાંસ્કૃતિક જાગરણ માટે સંત શક્તિનો હંમેશાથી આભારી છે.
આ અવસરે ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, જીતુભાઈ ભગત, જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, દંડી સ્વામી જીતેન્દ્ર સરસ્વતીજી, મહંત મોહનદાસજી રાજેન્દ્ર દાસજી, સતપંથી જગતગુરુ જ્ઞાનેશ્વરજી, મહંત રાજેન્દ્ર ગીરી મહામંડલેશ્વર ડૉ. ગીતા શ્રીહરિ દીદીજી, ચૈતન્ય શંભુ મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ અશોકભાઈ રાવલ, ઉમિયાધામના અધ્યક્ષ આર. પી. ભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

(1:36 PM IST)