<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ઔરત તો પગની ચપ્‍પલ છે કહી મામાએ ભાણિયાનું ઘર તોડાવ્‍યું

રસ્‍તામાં પતિ તલાક કહીને નીકળી ગયો, ટપાલમાં તલાકનામું મોકલી આપ્‍યું

અમદાવાદ તા.પઃ શહેરમાં રહેતી એક યુવતીના લગ્નના બે માસ બાદથી સાસરિયાએ વર્તન બદલીને તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મામાએ ભાણિયાને ‘ઔરત તો પગની ચપ્‍પલ છે તેને બદલવામાં વાર કરવી નહિ' તેવું કહીને બીજે લગ્ન કરાવી આપવાનો વાયદો કર્યો હતો. મામાની વાત માનીને ભાણિયાએ તેની પત્‍નીને રસ્‍તામાં જ ત્રણ વાર તલાક કહીને ટપાલ મારફતે તલાકનામું મોકલી આપ્‍યું હતું. સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા ગાયકવાડ હવેલી પોલીસે તપાસ હાથ ધરી છે.

જમાલપુરની ૨૩ વર્ષીય યુવતીએ વર્ષ ૨૦૨૧માં દાણીલીમડામાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે માસ બાદ સાસુ-સસરા અને પતિએ વર્તન બદલીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ રસોઇ બનાવતા ન આવડતી હોવાનું કહીને યુવતીને ત્રાસ આપતી હતી. નાની નાની વાતોમાં રોકટોક કરીને પરિણીતાને ત્રાસ ગુજારતા હતા. જ્‍યારે યુવતીએ તેના પતિને ફરિયાદ કરી ત્‍યારે તેણે માર માર્યો હતો. બાદમાં તું પસંદ નથી તારી સાથે નથી રહેવું તેમ કહીને યુવતીને ત્રાસ આપ્‍યો હતો. યુવતીના મામા સસરાએ પણ ઉશ્‍કેરણી કરીને ઔરત તો પગની ચપ્‍પલ છે તેને બદલવામાં વાર કરવી નહિ, તું તલાક આપી દે, તારા બીજે લગ્ન કરાવી આપીશ તેવી ખોટી સલાહ આપી હતી. જેથી રમજાન ઇદ દરમિયાન યુવતીને તેનો પતિ પિયરમાં મૂકીને પરત તેડી ગયો નહોતો. જ્‍યારે યુવતીએ ફોન કરીને તેને લઇ જવાનું કહેતા પતિએ મનાઇ કરીને છૂટાછેડા બાદ મામા સારી યુવતી સાથે લગ્ન કરાવી આપશે તેમ કહેતા જ ભોગ બનનાર યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. યુવતી કામઅર્થે બહાર નીકળી ત્‍યારે રસ્‍તામાં પતિ મળતા તે વાત કરવાની કોશિશ કરી રહી હતી. ત્‍યારે પતિ ત્રણ વાર તલાક કહીને નીકળી ગયો હતો. બાદમાં ટપાલથી લેખિતમાં તલાકનામું મોકલી આપ્‍યું હતું. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:56 PM IST)