<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

વડોદરામાં મીની વાવાઝોડું ફુંકાયું :ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો

ભારે પવનને કારણે અનેક વિસ્તારમાં મંડપો હવામાં ઉડી ગયા:કમલા નગર વિસ્તારમાં મંડપ ઉડ્યા: ભારે પવન વચ્ચે મંડપ અને ખુરશીઓ ઉડતા દોડધામ.

વડોદરા જિલ્લાના ઘણા તાલુકાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. બપોર બાદ આ વિસ્તારોમાં સુસવાટા મારતા ભારે પવનો ફૂંકાવા લાગ્યા હતા અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. વડોદરામાં જાણે મીની વાવાઝોડું ત્રાટક્યું હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.

કાળા ડિબાંગ જેવા વાદળો અને ભારે પવનને જોઈને શહેરમાં જે લોકો પ્રસંગ લઈને બેઠા છે તે ચિંતામાં આવી ગયા હતા. કારણ કે ભારે પવનને કારણે અનેક વિસ્તારમાં મંડપો હવામાં ઉડી ગયા હતા. જેને કારણે પ્રસંગ બગડ્યા હતા. કમલા નગર વિસ્તારમાં મંડપ ઉડ્યા હતા. ભારે પવન અને વરસાદે પ્રસંગ લઈને બેઠેલા લોકોને રોવડાવ્યા હતા. ભારે પવન વચ્ચે મંડપ અને ખુરશીઓ ઉડતા દોડધામ મચી હતી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતના વડોદરા સહિતના તાલુકાઓમાં ભારે પવન અને વરસાદ વરસે, તો ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને એરંડા, કપાસ, કેળ, અને આંબાવાડીયા કરતા ખેડૂતોને મોટો ફટકો પડી શકે છે અને તેમના પાક બરબાદ થઈ જાય તેવી શક્યતા છે

 

(8:12 PM IST)