News of Monday, 5th May 2025
RTE પ્રવેશમાં ગેરરીતિ : નર્મદા જિલ્લામાં ખોટા આવકના દાખલા રજૂ કરનારા સામે FIR : રાજ્યભરમાં ચકાસણી કરાશે
પ્રથમ રાઉન્ડમાં શંકાસ્પદ દાખલા જણાતા તલાટી દ્વારા પોલીસ ફરિયાદ : ૫૦ હજારથી ઓછી આવકના દાખલાઓની જિલ્લા સ્તરે ચકાસણી કરાશે : ખોટા દાખલા પર પ્રવેશ રદ થશે

ગાંધીનગર: રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ-૧માં ૨૫ ટકા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ ફાળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ નર્મદા જિલ્લામાં ઓછી આવક દર્શાવતી કેટલીક અરજીઓમાં અપલોડ કરાયેલા આવકના દાખલા શંકાસ્પદ જણાતા તેની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં દાખલા ખોટા સહી-સિક્કાવાળા સાબિત થતાં સંબંધિત તલાટીઓએ કસુરવારો સામે પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સાચા અને જરૂરિયાતમંદ બાળકોને પ્રવેશનો લાભ મળે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ફાળવણી પામેલા વિદ્યાર્થીઓના દાખલાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં થયેલી આ કાર્યવાહી બાદ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં ૫૦ હજાર કે તેથી ઓછી આવકના દાખલા રજૂ કરીને RTE હેઠળ પ્રવેશ મેળવનારા તમામ અરજદારોના આવકના દાખલાઓની જિલ્લા શિક્ષણાધિકારી અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા ખરાઈ કરવામાં આવશે.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ જણાવ્યું છે કે જો આ ચકાસણી દરમિયાન આવકના ખોટા દાખલા ધ્યાન પર આવશે તો જિલ્લા કક્ષાએથી નિયમો અનુસાર આવા બાળકોના RTE હેઠળના પ્રવેશ તાત્કાલિક અસરથી રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલું ગેરરીતિ આચરનારા તત્વો સામે કડક સંદેશો આપવા અને ખરેખર જરૂરિયાતમંદ બાળકોને જ યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા લેવામાં આવી રહ્યું છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
