News of Monday, 5th May 2025
આગામી 3 કલાક ગુજરાતમાં ભારે વરસાદની શકયતા:.હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
અમદાવાદ,ગાંધીનગર ,મહેસાણા,અરવલ્લી ,મહીસાગર, દાહોદ ,ખેડા ,આણંદ ,પંચમહાલ ,વડોદરા, છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ, સુરત ,અમરેલી, ભાવનગર ,મોરબી અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કરા પડવાની સંભાવના

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક જગ્યાએ વરસાદ શરૂ થયો છે. તો કેટલાક જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. અમદાવાદમાં સાંજના સમયે અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. તો બનાસકાંઠા, રાજકોટ, બોટાદ જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવ્યો હતો.
હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ અને કચ્છ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. અમદાવાદ,ગાંધીનગર ,મહેસાણા,અરવલ્લી ,મહીસાગર, દાહોદ ,ખેડા ,આણંદ ,પંચમહાલ ,વડોદરા, છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ, સુરત ,અમરેલી, ભાવનગર ,મોરબી અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કરા પડવાની સંભાવના હવામાન વિભાગે જણાવ્યું છે. તો બીજી તરફ ડાંગ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર ,રાજકોટ અને જુનાગઢ જેવા જિલ્લાઓમાં છુટા છવાયા વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતના લોકો છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. જો કે, હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં વરસાદ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 મે સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ જિલ્લા ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યાએ મોટા કરા પડવાની પણ શક્યતા છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
