<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

રાજ્યમાં ભારે પવને કહેર વર્તાવ્યો :ક્યાંક વૃક્ષો ધરાશાયી તો ક્યાંક હોર્ડિંગ્સ અને મંડપ ઉડ્યા : હજુ 'આફત' ટળી નથી

રાજયમાં અનેક સ્થળોએ કરા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો:અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી: અનેક સ્થળોએ લગ્ન પ્રસંગમાં બાંધેલા મંડપ ઉડી ગયા

અમદાવાદ : સમગ્ર રાજ્યનું વાતાવરણ ઓચિંતુ પલટાઈ ગયું છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર જ અનેક સ્થળોએ કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડ્યો છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મૂકાઈ ગયો છે. તો વરસાદની સાથે-સાથે અતિભારે પવન ફૂંકાતા રાજ્યના ગામડાઓ અને શહેરોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.

ગુજરાતમાં ફૂંકાયેલા ખૂંખાર પવનના IMDના ઓટોમેટિક વેધર સ્ટેશનના આંકડા આવ્યા છે. જે મુજબ ગુજરાતમાં હળવા વાવાઝોડાને પણ ટક્કર મારે એવો પવન ફૂંકાયો છે. અમદાવાદમાં 93 કિમીની ઝડપથી પવન ફૂંકાયો છે. સાંજે 6:30 વાગ્યે 93 કિમીની ઝડપ રહી છે. તો ધોલેરામાં 5:15 વાગ્યે 89ની ગતિથી પવન ફૂંકાયો, અરણેજમાં 5:30 વાગ્યે 87ની ઝડપથી પવન ફૂંકાયો, આણંદમાં 5:45 વાગ્યે 85ની ગતિથી પવન ફૂંકાયો, ભરૂચમાં 7:45 વાગ્યે 83ની ગતિથી પવન ફૂંકાયો, રાજકોટમાં 80 કિમી અને ભાવનગરમાં 74 કિમીની ગતિથી પવન ફૂંકાયો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ પડ્યા છે.

અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. જેના કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભો થયો છે. અમદાવાદના શ્યામલ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ્સ પડતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે નજીક કોઈ ન હોવાથી જાનહાનિ થતા અટકી હતી. આ ઉપરાંત અમદાવાદ ઉપરાંત બોટાદમાં ભારે પવન ફૂંકાતા ભાવનગર રોડ પર રસ્તા પર લગાવેલું હોર્ડિગ્ઝ ધરાશાયી થયું છે.

ભરઉનાળે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ લગ્ન પ્રસંગમાં બાંધેલા મંડપ ઉડી ગયા કે ધ્વસ્ત થયા છે, જેનાથી લગ્ન સમારોહમાં પણ વિઘ્ન સર્જાયું છે. વડોદરા, મહેસાણા, બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યા હતા. લગ્નસરાની સિઝન ચાલી રહી હોવાથી અનેક સ્થળોએ લગ્ન મંડપ ઊભા કરવામાં આવ્યા હતા. ભારે પવનના કારણે આ મંડપ ઉડી ગયા છે. આના કારણે જેમના ઘરે પ્રસંગ છે, તે લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે

અંકલેશ્વર-હાંસોટમાં ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં કાળા વાદળો સાથે તોફાની પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે. તો ભારે પવનના કારણે મંડપ ઉડતા લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી બાજુ વરસાદ સાથે અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડું આવવાની પણ આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે આજે આગાહીમાં જણાવ્યું છે કે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહી છે. આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

વેધર મેપ પ્રમાણે, આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. છઠ્ઠી તારીખને મંગળવારે કચ્છ, બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગાજવીજ સાથે કરા પડવાની પણ આગાહી છે. 7 મેના રોજ બુધવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 8 મેના રોજ આઠમી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

 

(8:21 PM IST)