<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

શેરબજાર અને જમીનમાં રોકાણના નામે 9 લોકો સાથે 13.59 કરોડની છેતરપિંડી: કિશન રાડીયાની ધરપકડ

અલગ અલગ શેરમાં રોકાણ કરવાના બહાને અને કાલાવાડ પાસે સસ્તી જમીન આપવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવ્યા

અમદાવાદ :શેર માર્કેટમા રોકાણ કરાવી ઓનલાઈન છેતરપિંડીના ઘણા કિસ્સા સામે આવ્યાં છે. પરંતુ સોલા પોલીસ મથકે એક એવી ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપીએ શેર બજારના એજન્ટ તરીકે પોતાની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરી છે. આરોપીએ એક બે નહી પરંતુ 9 લોકો સાથે 13.59 કરોડની છેતરપિંડી કરી છે. આરોપીએ ન માત્ર શેર બજાર પરંતુ જમીનના રોકાણના બહાને પણ રુપિયા પડાવ્યાં છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છેતરપિંડીના રૂપિયા ક્યાં રોકાણ કર્યા તે અંગે તપાસ શરૂ કરી છે. 

સોલા પોલીસે કિશન રાડીયા નામના યુવકની ઠગાઈ કેસમાં ધરપકડ કરી છે. આરોપીએ 9 લોકો સાથે 13.59 કરોડની છેતરપીંડી કરી છે. અલગ અલગ શેરમાં રોકાણ કરવાના બહાને અને કાલાવાડ પાસે સસ્તી જમીન આપવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. અને તે રુપિયા આરોપીએ મેળવી તેમની પાસે છેતરપિંડી કરી છે. જેથી સોલા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. 

સોલા પોલીસે ફરિયાદી વિજય પટેલની ફરિયાદ નોંધી તપાસ કરતા સામે આવ્યું કે, આરોપીએ લોકોને ભરોસામા લેવા માટે સોલા સાયન્સ સીટી રોડ પર એક ઓફીસ પણ ભાડે રાખી હતી. જેમાં તે રોકાણ માટે લોકો સાથે મિટીંગ કરતો હતો. જ્યાં ફરિયાદી અને તેના મિત્ર સાથે મુલાકાત કરી ટુકડે ટુકડે 13 કરોડથી વધુ રકમ પડાવી લીધી છે. પરંતુ તે રકમ શેર બજારમાં રોકવામાં ન આવી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી કિશનની સાથે નવનીત નામનો કાલાવાડનો પણ એક આરોપી સંડોવાયેલો છે. જે આંગડીયાના રૂપિયા મેળવતો હતો. જેથી પોલીસે નવનીત નામના આરોપીની શોધખોળ શરૂ કરી છે. સાથે જ આરોપીએ છેતરપિંડીના રૂપિયા ક્યાં અને કોની પાસે રોકાણ કરાવ્યુ તે અંગે તપાસ શરૂ કરી છે. તથા છેતરપિંડીના રૂપિયાથી કોઈ સંપતી વસાવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

(8:33 PM IST)