<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

દાહોદના લીમખેડાના ચિલાકોટામાં કુદરતનો કહેર : વાવાઝોડા બાદ અચાનક લાગી ભીષણ આગ : ૫૦થી વધુ પરિવારો ઘરવિહોણા

ભારે પવન અને વરસાદના પગલે મેડા ફળિયામાં લાગેલી આગે મચાવી તારાજી : અનેક મકાનો બળીને રાખ : અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય માટે તંત્રની દોડધામ

દાહોદ: લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે ગતરોજ કુદરતી આફત ત્રાટકી હતી. વાવાઝોડાની અસર હળવી થતાં જ ગામના મેડા ફળિયામાં અચાનક ભીષણ આગ લાગી હતી, જેના કારણે ૫૦થી વધુ પરિવારોના ઘર પળવારમાં રાખના ઢગલામાં ફેરવાઈ ગયા હતા. ભારે પવન અને વરસાદના કારણે લાગેલી આ આગે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જી દીધું હતું.
આગની ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી. જો કે, ભારે પવનના કારણે આગે ખૂબ જ ઝડપથી ફેલાવો કર્યો હતો, જેના લીધે ઘણાં ઘરોને બચાવી શકાયા નહોતા. આ દુર્ઘટનામાં ઘરવખરી સામાન સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
સ્થાનિક વહીવટી તંત્ર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. બેઘર બનેલા પરિવારોને નજીકની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે અને તેમના માટે ભોજન તેમજ કપડાં જેવી તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે. આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ ચાલુ છે અને સરકાર દ્વારા અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવાની પણ ખાતરી આપવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

(12:13 AM IST)