<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

ગુજરાતમાં વરસાદથી ૮ લોકોનાં મૃત્યુ ; આજે પણ અનેક વિસ્‍તારોમાં વંટોળ, કરા અને ધોધમાર વરસાદની આગાહી

ભારે પવનના કારણે લગ્નપ્રસંગોના રંગમાં ભંગ પડ્‍યોઃ કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ

અમદાવાદ તા.૬: હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્‍યો છે. રાજ્‍યમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદથી ૮ લોકોનાં મળત્‍યુ થયા હતા અને ૧૧૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે રાજ્‍યના ૧૦ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ ઉપરાંત ગાજવીજ સાથે કરા પણ પડી શકે છે. સોમવારે રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્‍યો હતો. આજે પણ અનેક વિસ્‍તારોમાં વંટોળ, કરા અને ધોધમાર વરસાદની આગાહી છે. સાર્વત્રિક વરસાદની સ્‍થિતિમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન ત્રણ થી પાંચ ડિગ્રી ઘટી શકે છે. દરમિયાન લોકોને આકરી ગરમીથી રાહત મળશે.

રાજ્‍યમાં સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી. આજે ૧૦ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદની સાથે ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. કચ્‍છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્‍થિતિ બગડી શકે છે. આ ઉપરાંત અનેક સ્‍થળોએ ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે. ૭ અને ૮ મેના રોજ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે અનેક શહેરોમાં વરસાદ વરસ્‍યો હતો. પવનના કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. અનેક જગ્‍યાએ વળક્ષો અને હોર્ડિગ્‍ઝ ધરાશાયી થયા હતા. જેમાં વડોદરામાં ત્રણ લોકોનાં, અરવલ્લીમાં બે લોકોનાં અને અમદાવાદમાં એકનું મળી કુલ ૬ લોકોના મોત નિપજ્‍યા હતા.

ભારે પવનના કારણે લગ્નપ્રસંગોના રંગમાં ભંગ પડ્‍યો

સોમવારે સાંજે જ્‍યારે વાતાવરણમાં પલટો આવ્‍યો ત્‍યારે અનેક શહેરોમાં સાંજના સમયે લગ્નપ્રસંગો અને રિસેપ્‍શન ચાલી રહ્યા હતા. ભારે પવન ફૂંકાતા અનેક શહેરોમાં મંડપ ઉડ્‍યા હોવાના દૃશ્‍યો સામે આવ્‍યા હતા. અરવલ્લીના બાયડમાં તો તોફાની પવનના કારણે વરવધૂ સહિતના લોકોએ મંડપ છોડીને નીકળી જવું પડ્‍યું હતું.

કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ

જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્‍છ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં હાલ આંબા પર કેરીનો પાક તૈયાર થઈ ચૂકયો છે. એવા સમયે જ ભારે પવન અને કરા વરસતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરી ઉપરાંત ડાંગર સહિતના પાકને પણ નુકસાન જવાની ભીતિ હોય ખેડૂતો ચિંતિત બન્‍યા છે.

(10:50 AM IST)