News of Tuesday, 6th May 2025
IIFTને GIFT સિટીમાં ઓફ-કેમ્પસ સેન્ટર સ્થાપવાની મંજૂરી
NEP 2020ને અનુરૂપ પહેલ, MBA (આંતરરાષ્ટ્રીય વ્યાપાર) અને સંશોધન પર રહેશે મુખ્ય ધ્યાન

ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT), નવી દિલ્હીને ગુજરાતના ગિફ્ટ સિટી (GIFT City) ખાતે પોતાનું કેમ્પસ બહારનું કેન્દ્ર સ્થાપવાની ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. યુજીસી (ઇન્સ્ટિટ્યુશન્સ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીઝ) રેગ્યુલેશન્સ, 2023 હેઠળ આ કેન્દ્રની સ્થાપના થશે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ IIFT દ્વારા જાન્યુઆરી 2025માં આપવામાં આવેલા લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI)માં દર્શાવેલી શરતોનું સફળતાપૂર્વક પાલન કર્યા બાદ આ મંજૂરી આપી છે. આ શરતોમાં 1,000થી વધુ વિદ્યાર્થીઓ માટે બહુ-શાખાકીય સંસ્થા સ્થાપવા માટેનો વિકાસ રોડમેપ, લાયક અધ્યાપકોની ઉપલબ્ધતા, વિગતવાર શૈક્ષણિક કાર્યક્રમો, કાયમી કેમ્પસ માટેનું આયોજન અને આધુનિક પુસ્તકાલયનું નિર્માણ સામેલ હતું.
IIFTને આ મંજૂરી મળવા બદલ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "ભારતના વૈશ્વિક નાણાકીય કેન્દ્ર ગિફ્ટ સિટીમાં પોતાનું નવું ઓફ-કેમ્પસ સેન્ટર ખોલવા બદલ IIFTને હૃદયપૂર્વક અભિનંદન. આ સંસ્થાનો મુખ્ય કાર્યક્રમ MBA (આંતરરાષ્ટ્રીય વ્યાપાર) તેમજ ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રમાં સંશોધનમાં પ્રતિભાઓને તાલીમ આપવાનો માર્ગ મોકળો કરશે."
આ નવું GIFT સિટી કેન્દ્ર GIFT ટાવર 2ના 16મા અને 17મા માળે કાર્યરત થશે. અહીં IIFTનો મુખ્ય MBA (આંતરરાષ્ટ્રીય વ્યાપાર) કાર્યક્રમ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને તેના સંબંધિત ક્ષેત્રોમાં વિશિષ્ટ ટૂંકા ગાળાના તાલીમ અભ્યાસક્રમો અને સંશોધન પ્રદાન કરવામાં આવશે. આ પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના ઉદ્દેશ્યોને અનુરૂપ છે, જે બહુ-શાખાકીય શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણની પહોંચને વિસ્તારવા પર ભાર મૂકે છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ 1963માં સ્થપાયેલ IIFT આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં ક્ષમતા નિર્માણ માટે એક અગ્રણી સંસ્થા છે. વર્ષ 2002માં તેને ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. IIFTને NAAC દ્વારા A+ ગ્રેડ અને AACSB દ્વારા માન્યતા પ્રાપ્ત છે, જે તેને વૈશ્વિક સ્તરે માન્યતા ધરાવતી બિઝનેસ સ્કૂલોના વિશિષ્ટ જૂથમાં સ્થાન આપે છે.
આ ગિફ્ટ સિટી કેમ્પસ ભારતના બિઝનેસ એજ્યુકેશન ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને દેશને વૈશ્વિક નિકાસ સુપરપાવર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
