<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

વિશ્વ એથ્લેટિક્સ દિવસે ગુજરાતની સિદ્ધિ : ખેલ મહાકુંભ 3.0માં 6300થી વધુ ખેલાડીઓની ઝળહળાટ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 'ખેલ મહાકુંભ' પહેલથી ગુજરાતને મળ્યા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ : નડિયાદ ખાતે રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં દોડ, કૂદ અને ફેંક જેવી વિવિધ રમતોમાં યુવાઓએ દર્શાવ્યો ઉત્સાહ : વિજેતાઓને મેડલ અને ટ્રેકસૂટથી કરાયું સન્માન

ગાંધીનગર, તા. ૬ મે: ગુજરાતના યુવાનો છેલ્લા બે દાયકામાં રમતગમત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે અને સ્પોર્ટ્સને એક સફળ વ્યવસાય તરીકે અપનાવી રહ્યા છે, જેનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનને જાય છે. વર્ષ ૨૦૧૦માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ખેલ મહાકુંભ જેવી ક્રાંતિકારી પહેલ શરૂ કરી હતી. આ પહેલથી રાજ્યના ખૂણે ખૂણે રહેલા ખેલાડીઓમાં એક નવું જોમ અને ઉત્સાહનો સંચાર થયો છે અને અંતરિયાળ વિસ્તારોમાંથી પણ અનેક પ્રતિભાઓ બહાર આવી રહી છે. આ જ પહેલના પરિણામે સરિતા ગાયકવાડ, મુરલી ગાવિત ભાઈ જેવા ખેલાડીઓ ગુજરાતને મળ્યા છે, જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે.
દર વર્ષે ૭ મેના દિવસને વિશ્વ એથ્લેટિક્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ફિટનેસના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને તેઓને રમતો, ખાસ કરીને એથ્લેટિક્સમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ગુજરાતમાં ખેલ મહાકુંભની પહેલ હેઠળ આયોજિત થતી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા પણ આ જ ઉદ્દેશ્યને સાકાર કરે છે.
તાજેતરમાં, ૧૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ખેલ મહાકુંભ ૩.૦ની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી કુલ ૬૩૬૯ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ખાતે આ રાજ્યકક્ષાની સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન વય જૂથના ૩૨૫૧ ભાઈઓ અને ૩૧૧૮ બહેનોએ પોતાની રમતનું પ્રદર્શન કર્યું હતું.
ખેલ મહાકુંભની આ રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ૩૦ મીટરથી લઈને ૫૦૦૦ મીટર સુધીની દોડ, ૮૦ મીટર હર્ડલ્સ, ૧૦૦ મીટર હર્ડલ્સ, ૧૧૦ મીટર હર્ડલ્સ, ૪૦૦ મીટર હર્ડલ્સ, લાંબી કૂદ, ઊંચી કૂદ, વાંસ કૂદ, લંગડીફાળ કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, ભાલા ફેંક, હેમર થ્રો, રિલે અને જલદ ચાલ જેવી વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ ૩.૦ની આ રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં આ તમામ રમતોના વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રેકસૂટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ખેલ મહાકુંભની પહેલના કારણે ગુજરાતને સરિતા ગાયકવાડ, મયુર માલવીયા ભાઈ, રુચિત મોરી ભાઈ અને મુરલી ગાવિત ભાઈ જેવા અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રાપ્ત થયા છે. નોંધનીય છે કે, ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડે વર્ષ ૨૦૧૮ના એશિયન ગેમ્સમાં મહિલાઓની ૪x૪૦૦ મીટર રિલે ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે મુરલી ગાવિત ભાઈએ વર્ષ ૨૦૧૯માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ૧૦૦૦૦ મીટર સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. ગુજરાત સરકાર આવા તમામ પ્રતિભાશાળી ખેલાડીઓની ક્ષમતાને વધુ પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે.
આજે ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સહયોગથી આયોજિત થતો ખેલ મહાકુંભ એશિયાનો સૌથી મોટો ગ્રાસરૂટ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ બની ગયો છે. આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટમાં દરેક વયના લાખો ખેલાડીઓ ભાગ લે છે. ખેલ મહાકુંભ ૨.૦માં ૫૩ લાખ ૬૬ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને તેઓને આર્થિક પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
છેલ્લા ૨૦ વર્ષોમાં ગુજરાત સરકારે રમતગમત ક્ષેત્રે નાગરિકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓનું નિર્માણ કર્યું છે. વર્ષ ૨૦૦૨ પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹૨.૫ કરોડ હતું, જે વર્ષ ૨૦૨૪માં વધીને ₹૩૫૨ કરોડને પાર કરી ગયું છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી ૨૦૨૨-૨૦૨૭ પણ લોન્ચ કરી છે, જેનો મુખ્ય હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો છે. આ નવી નીતિથી ગુજરાત આગામી સમયમાં સ્પોર્ટ્સના ક્ષેત્રમાં એક અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવશે અને રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને તેમના સપનાં સાકાર કરવા માટે વધુ તકો પ્રાપ્ત થશે.

 

(1:15 PM IST)