<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

ગામડાં બહાર વસતા પરિવારો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : હવે ૬ KW સુધીનું વીજ જોડાણ માત્ર ફિક્સ ચાર્જમાં મળશે

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેર કર્યા ત્રણ મહત્વપૂર્ણ ફેરફાર : ગામતળ બહારના સરકારી એકમો અને ૧૦ મકાનોના જૂથને પણ વીજ જોડાણમાં થશે ફાયદો

ગાંધીનગર, તા. ૬ મે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગામતળથી દૂર અથવા વાડી વિસ્તારમાં રહેતા પરિવારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના ઘણા ગામોમાં એવા પરિવારો છે જેઓ ગામના મુખ્ય વિસ્તારથી બહાર વસવાટ કરે છે. આવા પરિવારોને પણ ૨૪ કલાક વીજળી મળી રહે તે માટે સરકારે ગામતળ બહાર વિવિધ હેતુઓ માટે વીજ જોડાણ આપવાની નીતિમાં ત્રણ મોટા ફેરફાર કર્યા છે. આ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ નવા નિયમોથી ગામડાં બહાર રહેતા નાગરિકોને મોટો ફાયદો થશે.
મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, પહેલાંના નિયમો મુજબ ગામતળ બહાર રહેણાંક હેતુ માટે નવા સિંગલ ફેજ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી માત્ર ૩ કિલોવોટની મર્યાદામાં જોડાણ મળતું હતું અને તેના માટે થતો વાસ્તવિક ખર્ચ અથવા એક લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે ભરવાનું રહેતું હતું. પરંતુ હવે રાજ્ય સરકારે આ નિયમમાં ફેરફાર કરીને ગામતળ બહાર વસતા પરિવારોને ૬ કિલોવોટ સુધીનું સિંગલ ફેજ વીજ જોડાણ માત્ર કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ ભરીને આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી વાડી વિસ્તારમાં ઘર બનાવીને રહેતા ખેડૂતોને હવે માત્ર ફિક્સ ચાર્જમાં જ નવું વીજ જોડાણ ઉપલબ્ધ થશે.
આ અંગે વધુ માહિતી આપતા ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, ગામતળની બહાર છૂટાછવાયા મકાનોમાં વીજ જોડાણ આપતા પહેલાં એ તપાસવામાં આવશે કે જમીનનો ઉપયોગ રહેણાંક હેતુ માટે થાય છે અને ત્યાં ખેતીવાડીનું વીજ જોડાણ નથી. સ્થળની ટેકનિકલ ચકાસણીમાં ગામતળથી અંતર, હાલનું ખેતીવાડી જોડાણ, વીજ લાઇન ક્રોસિંગ અને સલામતી જેવા માપદંડોને ધ્યાનમાં લેવાશે. લાગુ પડતી સર્કલ ઓફિસના અધિક્ષક ઈજનેરની મંજૂરી બાદ આવા રહેણાંક હેતુ માટેના વીજ જોડાણ કોઈપણ લોડની મર્યાદા વગર નોન એ.જી. ફીડર પરથી આપી શકાશે અને તેના માટે બંચ કેબલનો ઉપયોગ કરાશે.
તેમણે બીજા મહત્વના નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, ગામતળની બહાર આવેલી આશ્રમશાળા, આદર્શ નિવાસી શાળા, આદર્શ છાત્રાલય અને રાજ્ય કે કેન્દ્ર સરકારના જાહેર એકમો તેમજ પોલ્ટ્રી ફાર્મ, તબેલા, નોંધાયેલા ઢોરવાડા, ઝીંગા ફાર્મ, ગૌશાળા, તમાકુની ખળી, મોબાઈલ ટાવર, મિલ્ક ચિલિંગ પ્લાન્ટ અને મેંગો રાઈપનિંગ જેવી પ્રવૃત્તિઓ માટે નવા વીજ જોડાણ માટે અત્યાર સુધી જે વાસ્તવિક ખર્ચ લેવામાં આવતો હતો, તેના બદલે હવેથી આ એકમોએ પણ માત્ર કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ જ ભરવાનો રહેશે. આ ઉપરાંત, ગામતળની બહાર આવેલી અનાજ દળવાની ઘંટીને પણ આ જ શ્રેણીમાં સમાવવામાં આવી છે, જેનાથી ગામતળ બહાર રહેતા લોકોને નજીકમાં જ અનાજ દળાવવાની સુવિધા મળશે.
ત્રીજા નિર્ણયની વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ ગામતળની બહાર નોન-ટ્રાયબલ વિસ્તારમાં ૧૫ મકાનોનું જૂથ હોય તો જ જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણ આપવામાં આવતું હતું. પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરીને ૧૫ના બદલે માત્ર ૧૦ મકાનોનું જૂથ હશે તો પણ તેઓને જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણ ઉપલબ્ધ કરાવાશે. રાજ્ય સરકારના આ નિર્ણયોથી ગામડાં બહાર વસતા પરિવારો અને વિવિધ વ્યવસાયોને મોટી રાહત મળશે.

 

(1:19 PM IST)