તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th May 2025
એથ્લેટિક્સના જોરે ગુજરાતના ૫૦થી વધુ ખેલાડીઓએ મેળવી સરકારી નોકરી : દેશસેવામાં પણ યોગદાન
વર્લ્ડ એથ્લેટિક્સ ડે નિમિત્તે વિશેષ અહેવાલ : ખેલ મહાકુંભથી પ્રોત્સાહન મળતા ખેલાડીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં હાંસલ કર્યું સ્થાન

અમદાવાદ, તા. ૭ મે: આજે વિશ્વ એથ્લેટિક્સ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના ખેલાડીઓએ આ રમતમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવાની નીતિના ભાગરૂપે એથ્લેટિક્સમાં મેડલ વિજેતા ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ સરકારી નોકરીઓની તકો ઊભી કરવામાં આવી છે. આ પહેલના પરિણામે અત્યાર સુધીમાં ગુજરાતના ૫૦થી વધુ એથ્લેટિક્સ ખેલાડીઓએ વિવિધ સરકારી વિભાગોમાં નોકરી પ્રાપ્ત કરી છે, એટલું જ નહીં પરંતુ દેશની સુરક્ષામાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
વર્ષ ૨૦૧૦ પછી ગુજરાતના એથ્લેટિક્સ ખેલાડીઓએ ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર, ૧૫૦૦ મીટર, ૫૦૦૦ મીટર, ૧૦,૦૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર વિઘ્ન દોડ, મેરેથોન અને ડેકેથલોન જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શનના આધારે ૧૬ ખેલાડીઓ ઇન્ડિયન આર્મીમાં, ૨ ખેલાડીઓ ઇન્ડિયન એરફોર્સમાં, ૧ ખેલાડી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં, ૧ ખેલાડી આસામ રાઈફલ્સમાં, ૧ ખેલાડી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં અને ૧ ખેલાડી ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસમાં જોડાઈને દેશની સરહદોની રક્ષા કરી રહ્યા છે.
આ ઉપરાંત, ૧૧ ખેલાડીઓએ ઇન્ડિયન પોસ્ટલ સર્વિસમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. જ્યારે ૨ ખેલાડીઓ દિલ્હી ખાતે ઇન્કમટેક્સ વિભાગમાં, ૧ ખેલાડી ગોવા ખાતે ઇન્કમટેક્સ વિભાગમાં, ૧ ખેલાડી ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)માં, ૬ ખેલાડીઓ ઇન્ડિયન રેલ્વેમાં, ૧ ખેલાડી એગ્રીકલ્ચર બેંકમાં અને ૬ ખેલાડીઓએ ગુજરાત પોલીસમાં જોડાઈને રાજ્યની સેવા કરી રહ્યા છે. આમ, કુલ મળીને ૫૦ જેટલા ખેલાડીઓએ એથ્લેટિક્સના ક્ષેત્રમાં પોતાની પ્રતિભાના બળે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર નોકરી મેળવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેલ મહાકુંભ જેવા પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી રમતગમત અંગે જાગૃતિ ફેલાવી હતી. વર્તમાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત એથ્લેટિક્સના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આજે ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતીને ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, ખેડા, નર્મદા, ભાવનગર અને પોરબંદર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ૧૧ સિન્થેટિક એથ્લેટિક્સ ટ્રેક બનાવવામાં આવ્યા છે, જેનો લાભ મોટી સંખ્યામાં એથ્લેટિક્સ સાથે જોડાયેલા ખેલાડીઓ લઈ રહ્યા છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
