<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

વક્ફ બોર્ડની જમીન પર કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરતા અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સૌદાગર બિલ્ડર્સ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનાર સલીમ જુમ્માખાન પઠાણનાં અલગ-અલગ સ્થળો પર ED દ્વારા દરોડા

સલીમ જુમ્માખાન પઠાણની સાથે સંકળાયેલા તમામ લોકોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા : પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો : જુદી જુદી ટીમો દ્વારા તપાસ

અમદાવાદ તા.૬ :  આજે વહેલી સવારથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સૌદાગર બિલ્ડર્સ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનાર સલીમ જુમ્માખાન પઠાણનાં અલગ-અલગ સ્થળો પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા વક્ફ બોર્ડની જમીન પર કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાની મિલકતો અને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા, જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યા છે.

દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણના કાકા શરીફખાન પઠાણના ઘરે પણ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

સમગ્ર મામલે E ડિવિઝન ACP દુધાતે જણાવ્યું કે, અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેના માટે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. ED દ્વારા સલીમ જુમ્માખાન પઠાણની સાથે સંકળાયેલા તમામ લોકોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. જેને લઇને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે. કાચની મસ્જિદની જમીન પર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી અને ભાડું ઉઘરાવતો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સલીમ જુમ્માખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી.

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પાંચ સામે ફરિયાદ

સલીમ ખાન વિરુદ્ધમાં હત્યા, રાયોટિંગ સહિતના ગુના પણ નોંધાયેલા છે. 23 જુલાઈ 2024ના રોજ ખોટું સોગંદનામું કરીને ટ્રસ્ટી તરીકે વકફ બોર્ડમાં રજૂ કર્યું હતું. વકફ બોર્ડ ગાંધીનગર ખાતે પણ ખોટું સોગંદનામું રજૂ કર્યું છે. આમ સલીમ ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમુદ ખાન પઠાણ, ફેઝ મોહમ્મદ જોબદાર, શાહિદ અહેમદ શેખ પાંચેય જણાએ ભેગા મળીને ટ્રસ્ટી ન હોવા છતાં વકફ બોર્ડની મિલકતમાં રહેતા અને દુકાન ધરાવતા લોકો પાસેથી ગેરકાયદેસર ભાડા વસૂલ કર્યાં છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે પાંચે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:51 PM IST)