News of Tuesday, 6th May 2025
ભરુચમાં પણ મીની વાવાઝોડું અને કમોસમી વરસાદ આવ્યો : તંત્ર એલર્ટ : 140થી વધુ ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ : પવનને કારણે અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી
ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહીના પગલે ભરુચ કલેક્ટરે લોકોને હજુ 2-3 દિવસ કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી

ભરૂચ તા.૬ : હવામાન વિભાગની આગાહી અનુસાર ગઇકાલે મોટાભાગના જિલ્લાઓમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સાંજે આકાશ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાઇ ગયું હતું. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડી હતી, ત્યારે ભરુચમાં પણ મીની વાવાઝોડું અને કમોસમી વરસાદ આવ્યો હતો. જેના પગલે તંત્ર એલર્ટ રહ્યું છે. તો બીજી બાજુ 140થી વધુ ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ છે.
અનેક જગ્યાએ રસ્તાઓ થયા બંધ
ભારે પવનને કારણે અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને તેના કારણે અનેક રસ્તાઓ બંધ થયા હતા. જોકે વરસાદ અને વાવાઝોડું શાંત થતા તંત્ર દ્વારા રસ્તા પર ધરાશાયી થયેલા વૃક્ષો સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા અને રસ્તાઓ ફરીથી શરુ કરવામાં આવ્યા હતા.
હજુ 2-3 દિવસ વિષમ હવામાનના પગલે ઘરની બહાર ન નીકળવા કલેકટરની અપીલ
રાજ્યમાં આગામી 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ભરુચ કલેક્ટરે લોકોને હજુ 2-3 દિવસ કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.
કયા-કયા વિસ્તારમાં પડશે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં વરસાદ આવી શકે છે. જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. જામનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. આ ઉપરાંત બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત તાપીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અનેક વિસ્તારોમાં વરસાદનું અપાયું ઓરેન્જ એલર્ટ
આજે મંગળવારે અનેક વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2-4 ડિગ્રી ઘટશે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
