તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 6th May 2025
સદ્દગુણો સાથે જીવાતું જીવન જ સાર્થક - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીના ૬૪મા જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી
બનાસની ધરતી પર ૨૩ વર્ષ બાદ પધારેલા આચાર્ય મહાશ્રમણજીને રાજ્યપાલે જન્મદિવસની શુભકામનાઓ આપી ગુજરાતની સુખાકારી માટે આશીર્વાદ મેળવ્યા : જીવનમાં પુરુષાર્થનું પરિણામ અવશ્ય મળે છે તેવો આચાર્ય મહાશ્રમણજીનો સંદેશ

પાલનપુર, તા. ૬: મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીએ બનાસની પવિત્ર ભૂમિ પર કર્ણાવતી હાઇસ્કૂલ, પાલનપુર ખાતે પોતાનો ૬૪મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ શુભ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાતપસ્વી મહાશ્રમણજીને હૃદયપૂર્વક જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને ગુજરાત રાજ્યની સુખાકારી માટે તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ સંઘના મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીનું ૨૩ વર્ષના લાંબા સમયગાળા બાદ આજે બનાસની ધરતી પર પુનઃ આગમન થયું છે, જે સમગ્ર જૈન સમાજ માટે આનંદ અને ગૌરવની વાત છે.
આ પ્રસંગે સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, માનવ જીવનમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, કરુણા, દયા અને પરોપકાર જેવા સદ્દગુણો સાથે જે વ્યક્તિ પોતાનું જીવન જીવે છે, તે જ જીવન ખરા અર્થમાં સાર્થક જીવન કહેવાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આહાર અને નિંદ્રા તો પ્રત્યેક જીવ લે છે, પરંતુ આમાં ધર્મ જ માનવને અન્ય જીવોથી અલગ પાડે છે. ધર્મનો સાચો અર્થ પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાનો છે. દરેક મનુષ્યએ પ્રાણીઓ પ્રત્યે દયાનો ભાવ, સહિષ્ણુતા અને કરુણાનો ભાવ રાખવો જોઈએ. સંન્યાસ ધર્મનું પાલન કરતી વખતે તો ખાસ કરીને પ્રાણીમાત્રની ભલાઈ માટે પોતાનું જીવન સમર્પિત કરવું જોઈએ. પોતાનામાં પોતાના ભાવ તો સહજ રીતે જોવા મળે છે, પરંતુ મહાન લોકો બીજાનામાં પણ પોતાના જેવા જ ભાવ સાથે આગળ વધે છે.
આચાર્ય દેવવ્રતજીએ વધુમાં ઉમેર્યું હતું કે, દરેક વ્યક્તિએ પોતાની ઉન્નતિની સાથે સાથે અન્ય તમામની ઉન્નતિમાં પણ વિશેષ રસ દાખવવો જોઈએ. આ ઉચ્ચ વિચાર ઉમદા મનુષ્યોના લક્ષણ છે અને આ જ વિચાર મોક્ષ સુધી પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેમણે જણાવ્યું કે આચાર્ય મહાશ્રમણજીના જીવન વિશે તેમને સમાચાર માધ્યમો અને સાહિત્ય દ્વારા જાણકારી મળી છે, પરંતુ પોતાના અનુભવથી પણ એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે પશુ-પંખીઓ પર દયાભાવ રાખીને જીવવું અને દરેકના આત્મામાં પોતાના આત્માના દર્શન કરવા એ એક ઈશ્વરીય કાર્ય છે.
આ શુભ અવસરે મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, માનવ જીવન અત્યંત દુર્લભ અને મહત્વપૂર્ણ છે. જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. દેવોને પણ મોક્ષની પ્રાપ્તિ માટે માનવ બનીને આ ધરતી પર જન્મ લેવો પડે છે. આ દુનિયામાં અસંખ્ય જીવો હજારોની સંખ્યામાં જન્મ લેતા હોય છે, પરંતુ જે મનુષ્ય સાર્થક જીવન જીવીને મોક્ષ પ્રાપ્ત કરે છે, તેનું જ જીવન ખરા અર્થમાં સફળ બને છે. જીવનમાં ઇચ્છિત ફળ મેળવવા માટે બે મુખ્ય બાબતો છે: ભાગ્યવાદ અને પુરુષાર્થ. તેમણે ભારપૂર્વક કહ્યું કે જીવનમાં પુરુષાર્થ કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે. તેથી આત્માને મોક્ષ ન મળે ત્યાં સુધી પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. સાધુનો ધર્મ અહિંસા છે અને સાધુનું નિવેદન ક્ષમા છે. દરેક માનવ જીવનમાં મૈત્રી અને અહિંસાનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાંચમી વખત તેમની મુલાકાતે ઉપસ્થિત રહ્યા છે અને તેમની જ્ઞાનની વાતો સાંભળીને તેઓ કહેવા માંગે છે કે "જો તમને તક મળે તો આપ સન્યાસ લેવા વિશે અવશ્ય વિચારજો".
પૂજ્ય મહાશ્રમણજીના જન્મદિવસે પાલનપુર પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને ભાવભીની શુભકામનાઓ પાઠવી હતી અને પ્રાર્થના કરી હતી કે પ્રજાના કલ્યાણ માટે સતત કાર્યરત મહાશ્રમણજીનું જીવન શતાયુ બને. તેઓ આ જ રીતે માનવ જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે કાર્ય કરતા રહે તેવી ભગવાન તેમને શક્તિ આપે. તેમના આશીર્વાદ આપણા સૌ પર સદાય વરસતા રહે તેવી તેમણે કામના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
