<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

રાજ્યમાં આપાતકાલીન સ્થિતિ માટે સજ્જતા : આવતીકાલે ૧૯ સ્થળોએ સિવિલ ડિફેન્સની મેગા મોકડ્રીલ : સાંજે અડધો કલાકનો અંધારપટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સાથે વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોકડ્રીલની વિસ્તૃત માહિતી આપી : નાગરિકોને સાયરન સમજવા, બાહ્ય પ્રવૃત્તિઓ બંધ કરવા અને લાઈટ બંધ રાખવા અનુરોધ

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં તા. ૭ મે, ૨૦૨૫ના રોજ યોજાનાર સિવિલ ડિફેન્સ મોક ડ્રીલની તૈયારીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યના તમામ જિલ્લાઓના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી પંકજ જોષી, એ.સી.એસ. હોમ એમ. કે. દાસ અને ડી.જી.પી. વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મોકડ્રીલની તમામ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં GEB, અગ્નિશામક દળ, વન વિભાગ, PWD, તબીબી સેવાઓ, હોમગાર્ડ, મહેસૂલ વિભાગ, કલેક્ટર કચેરી અને પોલીસ વિભાગ તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિત વિવિધ વિભાગોની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે મીડિયાને માહિતી આપતાં સામાન્ય નાગરિકોએ મોકડ્રીલ દરમિયાન શું કરવું જોઈએ તેની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં નાગરિકોએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ: જ્યારે ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહીને બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં પ્રથમ વોર્નિંગ સિગ્નલ છે, જે સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન હશે. બીજું ઓલ ક્લીયર સિગ્નલ છે, જે ટૂંકો અને સ્થિર સાયરન હશે અને તે ખતરો પસાર થઈ ગયો છે તે દર્શાવશે. કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ રૂપે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવી જોઈએ અને વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ અને સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તા. ૭/૫/૨૦૨૫ના રોજ રાજ્યમાં સાંજે ૭:૩૦ થી ૮:૩૦ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે. આ સમયગાળા દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઈટ બંધ કરવા અથવા ઢાંકી દેવા અનુરોધ છે. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરવો જોઈએ. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવું, કોઈપણ પ્રકારની અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં અને જેઓ આ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપવું જોઈએ.
ગૃહ રાજ્ય મંત્રીએ રાજ્યના નાગરિકોને એવો પણ અનુરોધ કર્યો હતો કે આ મોકડ્રીલ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારીના ભાગરૂપે યોજાઈ રહી છે, તેથી કોઈએ પણ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.
મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના જે જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજાવાની છે તેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચિમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ અને મોરબી એમ કુલ ૧૮ જિલ્લાઓમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૃહ રાજ્ય મંત્રીએ મોક ડ્રીલ માટે પગલાવાર પ્રક્રિયાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સિવિલ ડિફેન્સના સામાન્ય સિદ્ધાંતો અનુસાર કુલ ૧૨ વિવિધ પ્રકારની સેવાઓ આ પ્રકારની પરિસ્થિતિમાં સક્રિયપણે ભાગ લેશે, જેમાં સિવિલ ડિફેન્સના પ્રશિક્ષિત વોર્ડન અને સ્વયંસેવકોનો સમાવેશ થાય છે. ઇન્ડિયન એર ફોર્સે હોટલાઇન દ્વારા સિવિલ ડિફેન્સને ગુપ્ત સંદેશ મોકલ્યો છે. સિવિલ ડિફેન્સ અને જાગૃત નાગરિકો સાયરન અને SMS દ્વારા નાગરિકોને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે મદદ કરશે. સિવિલ ડિફેન્સના જાગૃત નાગરિકો SMS દ્વારા નાગરિકોને હવાઈ હુમલાની માહિતી આપશે. ફાયર ફાઇટર નાગરિકોને સ્થળ પરથી બહાર કાઢવામાં મદદ કરશે અને તબીબી ટીમ દ્વારા ફિલ્ડમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવશે. PWD કાટમાળ અને જર્જરિત ઇમારતો દૂર કરવામાં અને સ્થળને સાફ કરવામાં મદદ કરશે. વન વિભાગનો સ્ટાફ યુદ્ધના સ્થળોએથી પ્રાણીઓને બહાર કાઢવાની કામગીરી કરશે. પોલીસની મદદમાં રહી હોમગાર્ડ કાયદો અને વ્યવસ્થા જાળવશે. મહેસૂલ અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિનું દેખરેખ રાખશે. એકંદર સ્થિતિમાં જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગ આવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીની જવાબદારી નિભાવશે. વિદ્યાર્થીઓ સહિત સામાન્ય પ્રજાને સિવિલ ડિફેન્સ, SDRF અને SRP દ્વારા સંવેદનશીલ બનાવવા અને જાગૃતિ ફેલાવવા માટે તાલીમ આપવામાં આવશે અને ગામના સરપંચોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, વર્ષ ૧૯૬૨માં થયેલા ચીનના આક્રમણ બાદ ભારત સરકારે અન્ય દેશોની જેમ ભારતમાં પણ નાગરિક સંરક્ષણ તંત્ર વર્ષ ૧૯૬૩થી શરૂ કર્યું છે. આ તંત્ર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પ્રજાજનોને બચાવવા તથા ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા અને પુરવઠો ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. સમય જતાં નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વધુ વિસ્તૃત કરવામાં આવ્યું છે. શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે પૂર, ધરતીકંપ, વાવાઝોડું અને માનવ સર્જિત આફતો જેવી કે કોમી રમખાણો, મોટી આગ અને મોટા અકસ્માત વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને માનદ પદાધિકારીઓ તેમજ સ્વયંસેવકો ખડેપગે હાજર રહીને પ્રજાની સેવાકીય ફરજ બજાવે છે.
 

 

(8:02 PM IST)