તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th May 2025
રાષ્ટ્ર સેવા અને માનવ સેવા જ સાચી ઈશ્વર પૂજા - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ગુજરાતમાં સેવા માટે આવેલા પ્રોબેશનર IAS અધિકારીઓને માર્ગદર્શન
૨૦૨૪ની બેચના ૮ પ્રોબેશનર IAS અધિકારીઓએ રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત કરી : રાજ્યપાલે યુવા અધિકારીઓને પ્રમાણિકતા અને મહેનતથી નાગરિકોની સેવા કરવા અને પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં સેવા માટે ફાળવાયેલા ભારતીય પ્રશાસનિક સેવાના વર્ષ ૨૦૨૪ની બેચના ૮ પ્રોબેશનર અધિકારીઓએ આજે ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતજીએ યુવા IAS અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે રાષ્ટ્રની સેવા અને માનવતાની સેવા એ જ ખરા અર્થમાં ઈશ્વરની પૂજા છે.
ગુજરાત જેવા શાંત અને સમૃદ્ધ પ્રદેશમાં સેવા કરવાની તક મળવા બદલ પ્રોબેશનર યુવા IAS અધિકારીઓને શુભકામનાઓ આપતા રાજ્યપાલે કહ્યું હતું કે ગુજરાતના લોકો ભલા અને પરિશ્રમી છે. અહીંના ખેડૂતો પણ ખંતપૂર્વક ખેતી કરે છે. આવા રાજ્યમાં સેવા કરવાનો અવસર મળવો એ સૌભાગ્યની વાત છે. તેમણે યુવા અધિકારીઓને સંપૂર્ણ પ્રમાણિકતા અને સખત મહેનતથી નાગરિકોની સેવા કરીને તેમની ફરજના કાર્યકાળને ગૌરવપૂર્ણ બનાવવા અને સફળતા પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતને ફાળવાયેલા વર્ષ ૨૦૨૪ની બેચના આઠ સનદી અધિકારીઓમાં અપરાજીતા આર્યન (ખેડા), અતુલ સિંહ (અમરેલી), ધારિણી એમ. (કચ્છ), વૃશાલી કુંબલે (રાજકોટ), નેહા બ્યાવાલ (ભરૂચ), રિતિકા આઈમા (તાપી), અભિષેક તાલે (બનાસકાંઠા) અને અંજલિ ઠાકુર (પંચમહાલ)નો સમાવેશ થાય છે, જેમાં છ મહિલા અધિકારીઓ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહિલા અધિકારીઓને વિશેષ અભિનંદન આપ્યા હતા અને દરેક ક્ષેત્રમાં મહિલાઓની અગ્રણી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે આ અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપીને માનવતાના આ મહત્વપૂર્ણ કાર્યને પણ અગ્રતા આપવા માટે અનુરોધ કર્યો હતો. હાલમાં આ પ્રોબેશનલ અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત સ્પીપા (સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન)માં તાલીમ લઈ રહ્યા છે.
રાજ્યપાલે આ પ્રસંગે તમામ અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ વિષયક પોતાનું લિખિત પુસ્તક ભેટમાં આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન - સ્પીપાના ડાયરેક્ટર જનરલ હારિત શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
