News of Tuesday, 6th May 2025
અમદાવાદમાં જુગારના દેવાની ઉઘરાણીએ લીધો યુવકનો જીવ : સાબરમતી નદી પાસે લાશ મળી
21 લાખની ઉઘરાણીથી કંટાળી આરોપીએ રચ્યો હત્યાનો પ્લાન : પોલીસે CCTVની મદદથી ઝડપ્યો મુખ્ય આરોપી

અમદાવાદ : અમદાવાદમાં જુગારમાં જીતેલા 21 લાખ રૂપિયાની ઉઘરાણી એક યુવકને ભારે પડી, જેના કારણે તેની હત્યા કરી નાખવામાં આવી. આ ચોંકાવનારી ઘટનામાં આરોપીએ સાથીદારો સાથે મળીને યુવકને જુગાર રમવાના બહાને બોલાવી, તેની હત્યા કરી અને લાશને સાબરમતી નદીના કિનારે ફેંકી દીધી. પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે મુખ્ય આરોપીને ઝડપી લીધો છે.
ગત 3 મે, 2025ના રોજ સાબરમતી નદીના છઠ્ઠઘાટ નજીક એક યુવકની લાશ મળી આવી હતી. લાશના હાથ-પગ દોરડાથી બાંધેલા હતા, મોઢા પર ટેપ લગાવેલી હતી, અને તેને કોથળામાં બાંધીને નદી કિનારે ફેંકી દેવામાં આવી હતી. રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં ઝોન 2 એલસીબી અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઓઢવના 24 વર્ષીય આકાશ પવાર તરીકે થઈ. પોલીસને જાણવા મળ્યું કે આકાશ 1 મેના રોજ પોતાનું બુલેટ બાઇક લઈને ઘરેથી નીકળ્યો હતો.
પોલીસે આકાશના રૂટ પરના 500થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી, જેમાં તે શાહીબાગના નમસ્તે સર્કલથી સુમેલ 11 કોમ્પ્લેક્સના એફ બ્લોકમાં જતો જોવા મળ્યો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે 2 મેના રોજ રાત્રે 1 વાગ્યે આકાશનું બુલેટ બાઇક એક યુવક લઈ જતો દેખાયો. સુમેલ 11 કોમ્પ્લેક્સના લિફ્ટના સીસીટીવી ફૂટેજમાં રાત્રે 11:30 વાગ્યે બે શખ્સો એક મોટું કંતાન ટ્રોલી બેગમાં લઈ બેઝમેન્ટમાં જતા દેખાયા. પોલીસને શંકા ગઈ કે આ કંતાનમાં આકાશની લાશ હોઈ શકે. થોડી વાર બાદ એક ક્રેટા કાર બેઝમેન્ટમાંથી નીકળતી જોવા મળી. આ તપાસમાં કંતાન લઈ જનાર એક શખ્સ હિતેશ ઉર્ફે અમીત સંઘવી હોવાનું બહાર આવ્યું. પોલીસે હિતેશને રાજસ્થાનથી ઝડપી લઈ પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી.
પૂછપરછમાં હિતેશે જણાવ્યું કે તે આકાશ પવારને થોડા સમયથી ઓળખતો હતો. બંનેએ જુગાર રમ્યો હતો, જેમાં હિતેશ 21 લાખ રૂપિયા હારી ગયો હતો. આ રકમની ઉઘરાણી માટે આકાશ તેના ઘરે અને ઓફિસે વારંવાર આવતો હતો, જેનાથી કંટાળીને હિતેશે તેની હત્યાનો પ્લાન બનાવ્યો. હિતેશે પોતાના વતન બાડમેરના ઓળખીતા ટીમલેશ, હિરારામ અને સુમેલ 11માં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા વિનયને આ ગુનામાં સામેલ કર્યા. વધુ મદદ માટે હિરારામે રાવતારામ શંકરલાલ અને હેમારામ કૌશલારામને અમદાવાદ બોલાવ્યા હતા.
1 મેના રોજ હિતેશે આકાશને ફોન કરીને સાંજે સુમેલ 11 કોમ્પ્લેક્સમાં જુગાર રમવા બોલાવ્યો. આકાશ દુકાને પહોંચતાં જ બે આરોપીઓએ તેને પકડીને હાથ-પગ દોરડાથી બાંધી, ગળું દબાવીને હત્યા કરી નાખી. હિતેશે અન્ય આરોપીઓને જુગારમાં જીતેલા પૈસા અને આકાશના ખાતાની રકમ આપવાની લાલચ આપી હતી. હત્યા બાદ હિતેશ અને હિરારામે લાશને કારમાં લઈ જઈ રિવરફ્રન્ટ પાસે ફેંકી દીધી. પોલીસે મુખ્ય આરોપી હિતેશની ધરપકડ કરી લીધી છે અને ગુનામાં સામેલ અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો ગઠન કરી છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
