News of Tuesday, 6th May 2025
છેવાડાના માનવીના મહેસૂલી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કલેકટર કોન્ફરન્સ : મહેસૂલી વહીવટને વધુ પારદર્શી અને લોકાભિમુખ બનાવવા પર ભાર
આણંદ ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિ દ્વારા મહેસૂલી કામગીરીની સમીક્ષા : iORA પોર્ટલથી અરજીઓના ઝડપી નિકાલ, ખેડૂત ખરાઈ પ્રમાણપત્રો અને કોર્ટ કેસોના સમયસર નિરાકરણ માટે માર્ગદર્શન

આણંદ : રાજ્યના છેવાડાના નાગરિકોને મળતી મહેસૂલી સેવાઓની સમીક્ષા કરવા, મહેસૂલી વહીવટને વધુ પારદર્શી અને લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે તેમજ મહેસૂલી તંત્રની કામગીરીનું મૂલ્યાંકન કરવા રાજ્યના કલેકટરોની એક મહત્વપૂર્ણ કોન્ફરન્સ આણંદ ખાતે એન.ડી.ડી.બી. ખાતે યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં અધિક મુખ્ય સચિવ, મહેસૂલ ડો. જયંતિ એસ. રવિ, મહેસુલી તપાસણી કમિશનર રાજેશ માંજુ, રાહત કમિશનર આલોક પાંડે, ઇન્સ્પેકટર જનરલ અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવન અને સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક બીજલ શાહ સહિત રાજ્યના તમામ કલેકટરો ઉપસ્થિત રહ્યા હતા.
અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ કોન્ફરન્સ દરમિયાન મહેસૂલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી, જેમાં કલેકટરો દ્વારા વિવિધ કામગીરીની પ્રગતિ અને રાજ્યના નાગરિકોના વિવિધ મહેસૂલી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ડો. રવિએ iORAના માધ્યમથી પ્રોસેસ કરવામાં આવતી અરજીઓના સમયમર્યાદામાં અને ઝડપી નિકાલ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે અરજીઓ દફતરે થવાનું પ્રમાણ ઘટાડીને અરજદારોને ઓનલાઇન માધ્યમથી સેવાઓ ત્વરિત મળી રહે તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ઉપરાંત, ખેડૂત ખરાઈના કેસોની સમીક્ષા કરીને ખેડૂતોને ખરાઈ પ્રમાણપત્રો ઝડપથી મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
કોન્ફરન્સમાં વિભાગના તકેદારી કેસો, ધારાસભ્ય અને સંસદ સભ્યના સંદર્ભો, પી.જી. પોર્ટલના કેસો અને ઓડિટ પારાની સંખ્યાનો પણ વિગતવાર રિવ્યુ કરવામાં આવ્યો હતો. આ કેસોની નિયમિત સમીક્ષા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરીને તેમાં ઘટાડો લાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તેવી જ રીતે, મહેસૂલી તંત્રના નામ હેઠળના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેસોની સમીક્ષા કરીને I.I.L.M.S. પોર્ટલ દ્વારા કોર્ટ કેસોના મોનિટરિંગ અને સમયસર નિકાલ માટેના વ્યવસ્થાતંત્રને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહેસૂલી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતા મહેસૂલી કેસોને I.R.C.M.S. પોર્ટલ પર મેપ કરીને આ કેસોનું દૈનિક ધોરણે મોનિટરિંગ થાય અને ન્યાયનિર્ણયની પ્રક્રિયા ઝડપી બને તે માટે કલેકટરો પાસેથી સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા.
મહેસૂલી કર્મચારીઓના કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ માટે DISRA તાલીમ દ્વારા મહેસૂલી કર્મચારીઓ અને અધિકારીઓની નિયમિત તાલીમ અને લાયસન્સી સર્વેયરોની નિમણૂકની કામગીરીની પણ અધિક મુખ્ય સચિવે સમીક્ષા કરી હતી. સેટલમેન્ટ કમિશનરે SVAMITVA યોજનાની પ્રગતિ અને રી-સર્વે વાંધા નિકાલની કામગીરી માટેની ટેબલ-ટોપ એક્સરસાઇઝની સમીક્ષા કરી હતી. ડો. રવિએ મહેસૂલી તપાસણી કમિશનરની કચેરી દ્વારા થતાં ઇન્સ્પેકશન દરમિયાન ઉપસ્થિત થયેલા પારાની સમીક્ષા કરીને જિલ્લા તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો અને પ્રજાકીય પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટેનું વ્યવસ્થાતંત્ર ઊભું કરવા નિર્દેશ કર્યો હતો. આ ઉપરાંત, ડિસ્ટ્રિક્ટ સ્કોર મેટ્રિક્સની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
તાજેતરના હીટવેવ અને પ્રી-મોન્સૂન કામગીરી સંદર્ભે આગોતરી તૈયારી અને બચાવ માટે રાહત કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા એક્શન પ્લાનની સમીક્ષા કરીને રાજ્યના નાગરિકો હીટવેવ દરમિયાન જરૂરી સુરક્ષા અને સાવચેતી જાળવે તે માટે અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિ દ્વારા કલેકટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકારના સંપાદન હેઠળના મહત્વના પ્રોજેક્ટ્સ અને સબ રજિસ્ટ્રાર કચેરીઓના ચાલુ બાંધકામ વગેરે કામગીરીનો રિવ્યુ કરીને કલેકટરોને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. કોન્ફરન્સના અંતે 'ઓપન સેશન'માં કલેકટરો સાથે જમીન વહીવટને લગતા તાજેતરના સુધારાના પરિપત્રો અને હુકમો અંગે સીધો સંવાદ કરીને આ સૂચનાઓના ઝડપી અમલીકરણ અંગેની મુશ્કેલીઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સરકારી પડતર જમીનોની માંગણીઓ અંગે પણ કલેકટરો પાસેથી સૂચનો અને વિગતો મેળવવામાં આવી હતી.
અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, મહેસૂલી તંત્રની કામગીરીમાં પારદર્શિતા, જવાબદેહી અને ઝડપ આવે તેમજ iORA જેવા વિવિધ ઓનલાઇન પોર્ટલ થકી ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યના છેવાડાના નાગરિકને જરૂરી મહેસૂલી સેવાઓ ત્વરિત અને સરળતાથી ઉપલબ્ધ થાય તે દિશામાં આ રીતે નિયમિતપણે યોજાતી કલેકટર કોન્ફરન્સ એક મહત્વપૂર્ણ ગેમ-ચેન્જિંગ પરિબળ બની રહી છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
