<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

ગુજરાતમાં કમોસમી વરસાદનું તાંડવ : ત્રણ દિવસમાં 18નાં મોત : ભાવનગરના મહુવામાં 6.6 ઈંચ વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 128 તાલુકામાં મેઘમહેર : જનજીવન અસ્તવ્યસ્ત

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. રવિવારે રાતથી શરૂ થયેલો કમોસમી વરસાદ અને ભારે પવનનો કહેર સોમવારે પણ યથાવત્ રહ્યો, જેના પરિણામે રાજ્યના 128 તાલુકામાં વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે. આ ગાળામાં અલગ-અલગ ઘટનાઓમાં 18 લોકોનાં મોત થયાં છે, જ્યારે 117 પશુઓએ જીવ ગુમાવ્યો છે.

સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના આંકડા મુજબ, સોમવારે વહેલી સવારથી રાતના 10 વાગ્યા સુધી રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 4 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. સૌથી વધુ 170 મિ.મી. (6.6 ઈંચ) વરસાદ ભાવનગરના મહુવા તાલુકામાં ખાબક્યો, જ્યારે અમરેલીના લાઠીમાં 61 મિ.મી. (2.4 ઈંચ) વરસાદ નોંધાયો. સાંજે 8થી 10 વાગ્યાના બે કલાકમાં 53 તાલુકામાં વરસાદે હાહાકાર મચાવ્યો, જેમાં બનાસકાંઠાના વડગામમાં 56 મિ.મી. (2.2 ઈંચ) અને દિયોદરમાં 35 મિ.મી. (1.3 ઈંચ) વરસાદ ખાબક્યો. આ ઉપરાંત, નવસારીના ખેરગામમાં 24 મિ.મી., વલસાડના પારડીમાં 22 મિ.મી., ડાંગના વઘઈમાં 18 મિ.મી., અને ગીર ગઢડામાં 17 મિ.મી. વરસાદ નોંધાયો.

*જનજીવન પર અસર અને અકસ્માતોનો આંકડો*

ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદે રાજ્યભરમાં વિનાશ વેર્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં લગ્ન પ્રસંગ દરમિયાન વાવાઝોડાએ વિલનની ભૂમિકા ભજવી, જેના કારણે વરરાજા સમયસર જાન લઈને પહોંચી ન શકતા કન્યા પક્ષે દંડ ફટકાર્યો. ત્રણ દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 18 લોકોનાં મોત થયાં, જેમાં સોમવારે ચાર લોકોનો સમાવેશ થાય છે. દાહોદના લીમખેડામાં દીવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું, જ્યારે અમદાવાદના અસારવા, આણંદ અને છોટા ઉદેપુરમાં ઝાડ પડવાથી ત્રણ લોકોનાં મોત થયાં.

આ કમોસમી વરસાદે ખેતી અને પશુપાલનને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. રાજ્ય સરકારે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા તંત્રને સજ્જ રહેવા આદેશ આપ્યા છે, જ્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

(11:44 PM IST)