News of Wednesday, 7th May 2025
૮ મે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ : થેલેસેમિયા મુક્ત ગુજરાત : રાજ્યની સરાહનીય કામગીરીથી દેશને મળ્યું રોલ મોડેલ
૧૫.૫૦ લાખથી વધુ લોકોના ટેસ્ટ : વિનામૂલ્યે તપાસ અને લોકજાગૃતિ અભિયાનથી ગુજરાત બન્યું અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ

ગાંધીનગર : આજે, ૮મી મે ના આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસે, ગુજરાત રાજ્ય થેલેસેમિયાને નાબૂદ કરવાની દિશામાં કરેલી પોતાની નોંધપાત્ર કામગીરીથી સમગ્ર દેશ માટે એક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. રાજ્ય સરકારે છેલ્લા ૧૫ વર્ષોમાં સુદ્રઢ આયોજન અને અનેક નવી પહેલો દ્વારા થેલેસેમિયા સામેની લડાઈમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૫.૫૦ લાખથી વધુ લોકોના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ગુજરાત આ રોગ અંગે જાગૃતિ લાવવા અને તેના ફેલાવાને રોકવા માટે ગંભીરતાથી કાર્ય કરી રહ્યું છે.
થેલેસેમિયા એક વારસાગત રક્ત વિકાર છે, જે શરીરમાં હિમોગ્લોબીનના નિર્માણને અસર કરે છે. આ રોગ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે ૮મી મે ના રોજ આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકારે આ દિશામાં કરેલા પ્રયત્નો ખરેખર પ્રશંસનીય છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ગર્ભવતી મહિલાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવે છે. આ પહેલથી રાજ્યમાં થેલેસેમિયાના કેરિયર્સને ઓળખવામાં અને તેના ફેલાવાને નિયંત્રિત કરવામાં ઘણી મદદ મળી રહી છે.
હિમોગ્લોબીનોપેથેજીસ કમિટી ઓફ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત બ્રાન્ચના ચેરમેન ડો. અનિલ ખત્રીએ જણાવ્યું હતું કે, થેલેસેમિયા મેજરને અટકાવવા માટે લગ્ન પહેલાં અથવા ગર્ભ ધારણ કરતા પહેલાં થેલેસેમિયા માઈનરનો ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. જો બંને પાર્ટનર થેલેસેમિયા માઈનર હોય તો તેમના બાળકને થેલેસેમિયા મેજર થવાની ૨૫ ટકા જેટલી શક્યતા રહે છે.
ગુજરાત સરકારે થેલેસેમિયા નિવારણ માટે સમુદાય આધારિત લોકજાગૃતિ અભિયાન પણ ચલાવ્યું છે. રાજ્ય સરકાર, ભારત સરકારના નેશનલ હેલ્થ મિશન અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી યુનિવર્સિટી સ્તરે વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જે સમાજોમાં થેલેસેમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે, ત્યાં કમ્યુનીટીબેઝ્ડ સ્ક્રીનીંગ દ્વારા વિશેષ જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત સરકારની સાથે રેડ ક્રોસ સોસાયટી, થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશન અને થેલેસેમિક ગુજરાત જેવી અનેક સંસ્થાઓ પણ થેલેસેમિયાને નાબૂદ કરવા માટે લોકોને જાગૃત કરવા માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે. થેલેસેમિયાના દર્દીઓને દર વર્ષે મોટી માત્રામાં લોહીની જરૂર પડે છે. આથી, રાજ્યના નાગરિકોને વધુમાં વધુ રક્તદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી થેલેસેમિક બાળકોને પૂરતું અને સુરક્ષિત લોહી મળી રહે.
આજે થેલેસેમિયા દિવસ નિમિત્તે, ચાલો સૌ સાથે મળીને ગુજરાતને થેલેસેમિયા મુક્ત બનાવવા માટે સંકલ્પ કરીએ. જાગૃતિ ફેલાવીને, વહેલાસર ટેસ્ટ કરાવીને અને રક્તદાન કરીને આપણે ચોક્કસપણે ભવિષ્યમાં આ રોગને મ્હાત આપી શકીશું.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
