<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ની ભવ્ય ઉજવણી : 'સ્વચ્છતા મે સહકાર' અભિયાન હેઠળ સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ સાથે મળીને રાજ્યભરના ધાર્મિક સ્થળોને કર્યા સ્વચ્છ

ગુજરાતના ૧૩,૦૦૦ ગામોમાં આવેલા ૨૫,૦૦૦ ધાર્મિક સ્થળો પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન : પાંચ લાખથી વધુ સંસાધનોના ઉપયોગથી ૫૦,૦૦૦ કિલોગ્રામ કચરો એકત્રિત : લાખો નાગરિકો, આગેવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ગાંધીનગર: સમગ્ર ગુજરાત રાજ્યમાં 'આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫'ની ઉજવણી અંતર્ગત એક અભૂતપૂર્વ પહેલ જોવા મળી. સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ સંયુક્ત રીતે 'સ્વચ્છતા મે સહકાર' નામનું એક રાજ્યવ્યાપી મહાઅભિયાન ચલાવ્યું. આ અભિયાન હેઠળ તા. ૧ મે ના રોજ, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા અંદાજે ૨૫,૦૦૦ જેટલા ધાર્મિક સ્થળો પર વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સહકાર ક્ષેત્રે એકતાનો સંદેશ ફેલાવવા અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ૨૫૨ તાલુકા અને ૧૩,૦૦૦ ગામડાઓમાં ફેલાયેલા મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ જેવા પવિત્ર સ્થળોને સ્વચ્છ કરવામાં ગ્રામ્ય અને શહેરી સહકારી સંસ્થાઓના સભ્યો, યુવાનો અને મહિલાઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ સામૂહિક સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે લાખો લોકોએ યોગદાન આપ્યું હતું.
'આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫'ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર દ્વારા ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં સ્થિત શ્રી વરદાયિની માતાના મંદિર ખાતે આયોજિત સ્વચ્છતા કાર્યક્રમમાં નાગરિકોને સહકારીતા ક્ષેત્ર અંગે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મહાઅભિયાનમાં તમામ જિલ્લા રજિસ્ટ્રારો, સહકારી સંસ્થાઓના આગેવાનો, હિતધારકો અને ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટીંગ ફેડરેશન - અમૂલ, ગુજરાત રાજ્ય સહકારી બેંક, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, વિવિધ દૂધ સંઘો, દૂધ મંડળીઓ અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના સભ્યો અને કર્મચારીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો, આચાર્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સરપંચો, ઉપસરપંચો અને અન્ય સભ્યો સહિત ૧.૫૦ લાખથી વધુ ગ્રામજનોએ પોતાનું યોગદાન આપ્યું હતું. આ અભિયાનના સફળ આયોજન માટે ૧૫ હજાર જેટલી સહકારી સંસ્થાઓએ આગળ આવીને મહત્વની ભૂમિકા ભજવી હતી. સમગ્ર રાજ્યમાં ટ્રેક્ટર, પાવડી, સાવરણી, ડોલ, કચરા પેટી અને સુપડા જેવા અંદાજે પાંચ લાખ જેટલા સંસાધનોનો ઉપયોગ કરીને ૫૦,૦૦૦ કિલોગ્રામથી વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
આ અભિયાનમાં રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમિન, ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ઘોળકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, કોર્પોરેટર પ્રવીણાબેન પટેલ અને અન્ય કોર્પોરેટરો ઉપરાંત ૩,૦૦૦થી વધુ સહકારી અગ્રણીઓ અને આશરે ૨૦૦થી વધુ APMCના ચેરમેનો તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ અભિયાનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ભવ્ય પ્રતિસાદ બદલ સહકારી વિભાગ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ સૌનો આભાર માન્યો હતો.

 

(2:55 PM IST)