News of Wednesday, 7th May 2025
પીએમ કિસાન યોજના : લાભ મેળવવા માટે લેન્ડ સીડીંગ, ઈ-કેવાયસી અને આધાર સીડીંગ તાત્કાલિક પૂર્ણ કરો
જે ખેડૂતોની આ કાર્યવાહી બાકી હશે તેઓ આગામી ૨૦મા હપ્તાથી વંચિત રહેશે : સરકારે લાભાર્થીઓને તાકીદ કરી

ગાંધીનગર: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. સરકારે તાકીદ કરી છે કે જે ખેડૂતોને હજુ સુધી લેન્ડ સીડીંગ, ઈ-કેવાયસી અથવા આધાર સીડીંગની પ્રક્રિયા પૂર્ણ કરવાની બાકી છે, તેઓએ આ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવી પડશે. જો આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો તેવા ખેડૂત લાભાર્થીઓ પીએમ કિસાન યોજનાના આગામી ૨૦મા હપ્તાથી વંચિત રહી જશે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ. ૬,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ૧૯ હપ્તાની સહાયની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો રહે તે માટે ભારત સરકારે છેલ્લા આઠ હપ્તાથી તબક્કાવાર લેન્ડ સીડીંગ, આધાર સીડીંગ-ડીબીટી એનેબલ અને ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે. જો લાભાર્થીઓએ આમાંથી કોઈપણ પ્રક્રિયા પૂર્ણ નહીં કરી હોય તો તેઓ યોજનાના લાભથી વંચિત રહી શકે છે. જે ખેડૂતોના હપ્તા આ કારણોસર અટક્યા હોય, તેઓએ તાત્કાલિક આ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.
ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો ૨૦મો હપ્તો બહાર પાડવામાં આવનાર છે. આથી, કોઈ પણ પાત્ર ખેડૂત આ લાભથી વંચિત ન રહે તે માટે સરકારે તમામ પેન્ડિંગ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે.
સીડીંગની કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન:
* લેન્ડ સીડીંગ: જે ખેડૂતોનું લેન્ડ સીડીંગ બાકી છે તેઓએ તેમની જમીનની નવીનતમ વિગતો સાથે ગામના વિલેજ નોડલ ઓફિસર, ગ્રામ સેવક અથવા સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવો પડશે.
* આધાર સીડીંગ: આધાર સીડીંગ બાકી હોય તેવા લાભાર્થીઓએ તેમના આધાર કાર્ડ સાથે તેમની લાભાર્થી બેંકમાં રૂબરૂ જઈને આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવું પડશે. અથવા તેઓ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતું ખોલાવી શકે છે.
* ઈ-કેવાયસી: ઈ-કેવાયસી બાકી હોય તેવા લાભાર્થીઓ તેમના ગામના ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે. આ ઉપરાંત, તેઓ નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ઈ-ગ્રામ કેન્દ્ર પર રૂ. ૧૫ નો ચાર્જ ચૂકવીને બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા પણ ઈ-કેવાયસી કરાવી શકશે.
સરકાર દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવે છે કે તેઓ યોજનાનો લાભ નિયમિત રીતે મેળવતા રહે તે માટે ઉપરોક્ત કાર્યવાહીને ગંભીરતાથી લે અને તાત્કાલિક પૂર્ણ કરે. કોઈપણ પ્રકારની મુશ્કેલીના નિવારણ માટે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી શકાય છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
