<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

મોકડ્રિલની સફળતા સુનિશ્ચિત કરવા મંત્રીઓ અને પ્રભારી સચિવોને સૂચના : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ

નાગરિકોમાં ગભરાટ ન ફેલાય તે માટે સંકલન કરવા અને બ્લેકઆઉટ સહિતની તૈયારીઓની સમીક્ષા કરવા મંત્રીઓને આદેશ : ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સુરક્ષા દળોને અભિનંદન

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર યોજાનારી મોકડ્રિલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓ અને પ્રભારી સચિવોને સંબંધિત જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરીને મોકડ્રિલની સફળતા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, તેમણે મંત્રીઓને તેમના જિલ્લા પ્રભારી તરીકે સોંપવામાં આવેલા જિલ્લાઓમાં મોકડ્રિલ સંદર્ભે હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરવા પણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોમાં મોકડ્રિલને લઈને કોઈ ગભરાટ કે દહેશત ન ફેલાય અને મોકડ્રિલ માત્ર સુરક્ષા-સલામતીના ઉપાયોની સતર્કતાની જાણકારી માટે હાથ ધરાઈ રહી છે, તેની ખાતરી કરવા પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવોને આદેશ આપ્યો હતો. રાજ્યમાં યોજાનારી સિવિલ ડિફેન્સ મોકડ્રિલમાં નાગરિકોએ રાખવાની થતી તૈયારીઓની પણ સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.
બ્લેકઆઉટ માટેની તૈયારી અંતર્ગત ઘરની બારીઓને જાડા પડદા અથવા પૂંઠાથી ઢાંકવા, એલર્ટ દરમિયાન ઘરની અંદરની અને બહારની લાઈટ બંધ રાખવી, બારી નજીક મોબાઈલ ફોન અને પ્રકાશ ફેલાવતા ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવા જેવી બાબતો અંગે ચર્ચા થઈ હતી.
રાજ્ય મંત્રીમંડળની આ બેઠકમાં સેના અને સુરક્ષાદળોએ સફળતાપૂર્વક પાર પાડેલા 'ઓપરેશન સિંદૂર' માટે સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સુરક્ષા દળોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(6:31 PM IST)