News of Thursday, 8th May 2025
ઈ-કેવાયસી, આધાર-લેન્ડ સીડીંગ બાકી હશે તેવા ખેડૂતને ૨૦મો હપ્તો નહીં મળે
પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો સત્વરે કાર્યવાહી પૂર્ણ કરે તે જરૂરી

અમદાવાદ તા.૮ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને સરકાર દ્વારા વાર્ષિક રૂ. ૬૦૦૦ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧૯ હપ્તાની સહાય રકમ સીધી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. હવે, ટૂંક જ સમયમાં પીએમ કિસાન યોજનાનો આગામી ૨૦મો હપ્તો રીલિઝ થવાનો હોવાથી, કોઈપણ ખેડૂત લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તે માટે ખેડૂતોએ પેન્ડિંગ કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવી અનિવાર્ય છે.
પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા ખેડૂતો માટે ભારત સરકાર દ્વારા છેલ્લા ૮ હપ્તાથી તબક્કાવાર લેન્ડ સીડીંગ, આધાર સીડીંગ-ડીબીટી એનેબલ તથા ઈ-કેવાયસી ફરજિયાત કરાયું છે. આ બાબતો પૈકી એકપણ બાબત પૂર્ણ ન થઈ હોય તો લાભાર્થી યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહે છે. આ માટે રાજ્યના જે લાભાર્થી ખેડૂતોના હપ્તા આ બાબતો પૈકી કોઈ કારણોસર બંધ થયા હોય, તો ખેડૂતોએ સત્વરે તે કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. સીડીંગની કાર્યવાહી કેવી રીતે કરવી ?
લેન્ડ સીડીંગ બાકી હોય તેવા ખેડૂતોએ જમીનની અદ્યતન વિગતો સાથે ગામના વિલેજ નોડલ ઓફિસર, ગ્રામ સેવક અથવા સંબંધિત જિલ્લા ખેતાવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવો પડશે.
આધાર સીડીંગ બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેન્કમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવી લેવાનું રહેશે.
ઈ-કેવાયસી બાકી હોય તેવા લાભાર્થીએ ગામના ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર અને ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે પણ લાભાર્થી રૂ. ૧૫ ચાર્જ ચૂકવીને બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકશે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
