<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

SC અને SEBC વિદ્યાર્થીઓ માટે ખુશખબર: બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક પર આવનારને હવે મળશે રૂ. ૫૧ હજાર સુધીનું ઈનામ : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વ હેઠળ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્ય સરકારે "છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ" યોજના હેઠળ ઈનામી રકમમાં કર્યો ધરખમ વધારો

ગાંધીનગર: રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ (SC) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક ઈનામની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને હવે રૂ. ૫૧ હજાર સુધીનું ઈનામ મળશે.
રાજ્ય સરકારનો આ નિર્ણય SC અને SEBC વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રસ લેવા અને ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે પ્રોત્સાહિત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં આ યોજના માટે રૂ. ૫૩ લાખની નવી જોગવાઈ કરવામાં આવી છે.
"છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ" યોજના અંતર્ગત ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવે છે. હવે આ ઈનામી રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યકક્ષાએ ઈનામની નવી રકમ:
 * પ્રથમ ક્રમ: રૂ. ૫૧ હજાર (અગાઉ રૂ. ૩૧ હજાર)
 * દ્વિતીય ક્રમ: રૂ. ૪૧ હજાર (અગાઉ રૂ. ૨૧ હજાર)
 * તૃતીય ક્રમ: રૂ. ૩૧ હજાર (અગાઉ રૂ. ૧૧ હજાર)
આ વધારો ધોરણ ૧૦ અને ૧૨ના સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રથમ ત્રણ ક્રમના વિદ્યાર્થીઓ માટે લાગુ થશે.
જિલ્લાકક્ષાએ ઈનામની નવી રકમ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ):
 * પ્રથમ ક્રમ: રૂ. ૧૫ હજાર (અગાઉ રૂ. ૬ હજાર)
 * દ્વિતીય ક્રમ: રૂ. ૧૧ હજાર (અગાઉ રૂ. ૫ હજાર)
 * તૃતીય ક્રમ: રૂ. ૯ હજાર (અગાઉ રૂ. ૪ હજાર)
મહત્વની વાત એ છે કે રાજ્યકક્ષાએ ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓને જિલ્લાકક્ષાનું ઇનામ મળવાપાત્ર નહીં હોય. વિદ્યાર્થીઓને આ ઈનામની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિથી તેમના બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવશે. આ યોજનાનો લાભ માત્ર માર્ચ-એપ્રિલમાં લેવાતી બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને જ મળશે. એક જ ક્રમ પર એકસરખા ગુણ ધરાવતા તમામ SC અને SEBC વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવશે.
રાજ્ય સરકારના આ પ્રોત્સાહક પગલાથી SC અને SEBC વર્ગના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતિ આવશે અને તેઓ વધુ સારું પરિણામ લાવવા માટે પ્રેરિત થશે તેવું માનવામાં આવે છે.

 

(1:07 PM IST)