News of Thursday, 8th May 2025
કમોસમી વરસાદના કહેરથી કેરીના ખેડૂતોને મોટું નુકસાન : 1800માં વેચાતી કેસરની કિંમત ગગડીને 300 થઈ ગઈ !
મંગળવાર અને બુધાવારે તોફાની પવન ફૂંકાવા સાથે તૂટી પડેલા વરસાદના કારણે ઝાડ પરથી કેરીઓ ખરી પડી

અમદાવાદ :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં નાટ્યાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. જેમાં વૈશાખમાં અષાઢી માહોલ જામ્યો હોય, તેમ છેલ્લા ચારેક દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં તોફાની પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઉનાળું પાક ખાસ કરીને કેરીના ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
નવસારી જિલ્લાના ખેરગામની વાત કરીએ તો, અહીંની આંબાવાડીઓમાં કેરીના ઝૂમખે-ઝૂમખા લટકતા હતા. આ વર્ષે કેરીની સારી આવક થતાં ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યાં હતા. જો કે મંગળવાર અને બુધાવારે તોફાની પવન ફૂંકાવા સાથે તૂટી પડેલા વરસાદના કારણે ઝાડ પરથી કેરીઓ ખરી પડી હતી. ખેડૂતો પણ કેરીઓમાં જીવાત પડવાની શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે.
ખેડૂતો પણ નુકસાન જવાની બીકે કેરીને જેમ બને તેમ નિકાલ કરવા માંગતા હોય, ખેરગામ માર્કેટ યાર્ડ કેસર કેરીથી છલકાઈ રહ્યું છે. બીજી તરફ કેરીના ભાવ એકદમ ગગડી ગયા છે.
ગત સોમવાર સુધી 1800 રૂપિયા સુધીના ભાવે વેચાતી કેસર કેરી બુધવારના રોજ 300 રૂપિયામાં વેચાઈ હતી. વેપારીઓનું કહેવું છે કે, વાવાઝોડા અને વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આંબાની વાડી રાખનારા વેપારીઓનો પણ ઘણો માલ પડી જતાં તેમની હાલત વધારે કફોડી બની છે. અનેક ઠેકાણે ભારે પવન ફૂંકાવાથી આંબાના વૃક્ષ પણ તૂટી પડ્યા છે. ખેડૂતો પણ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનીનું વળતર મળે તે માટે વિનંતી કરી રહ્યાં છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
