News of Friday, 9th May 2025
વર્તમાન સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓની સરળ ઉપલબ્ધિ અને ભાવ નિયંત્રણ માટે રાજ્ય સરકાર સજ્જ : સંગ્રહખોરી કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશોને પગલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પૂરતું વ્યવસ્થાતંત્ર ગોઠવાયું : ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિરીક્ષણ

ગાંધીનગર: રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો સરળતાથી મળી રહે અને ભાવો નિયંત્રણમાં રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુદ્રઢ વ્યવસ્થાતંત્ર ગોઠવવાના આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રીના આ નિર્દેશોને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ અંગે માહિતી આપતા અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવ આર. સી. મીનાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લા કલેક્ટરને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે, જેથી નાગરિકોને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને તેમના ભાવોમાં વધારો ન થાય.
તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર અને દરેક જિલ્લા કલેક્ટર દ્વારા ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું દરરોજ સતત નિયંત્રણ અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી કે જમાખોરી ન થાય તે માટે તમામ વિક્રેતાઓ, રિટેલરો, પ્રોસેસરો, મિલરો અને આયાતકારોને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
અગ્ર સચિવે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જણાશે, તો તેમની વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ જિલ્લા કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ૬ વર્ષમાં હાલ ખાદ્ય પદાર્થોનો છૂટક ફુગાવો સૌથી નીચા સ્તરે છે. એટલું જ નહીં, તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ ચાલુ છે.
રાજ્ય સરકારે તમામ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાશો નહીં અને રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર પર વિશ્વાસ રાખીને સંપૂર્ણ સહકાર આપો.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
