News of Friday, 9th May 2025
ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સનું સૈન્ય વધુ સશક્ત : રાજ્યની 542 સામાન્ય એમ્બ્યુલન્સ પણ 108 હેઠળ કાર્યરત થશે
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના નિર્દેશથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મેડિકલ કોલેજ સુધીની એમ્બ્યુલન્સોનું સંચાલન 108 દ્વારા : આ વર્ષે નવી 119 એમ્બ્યુલન્સ પણ જોડાશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગે રાજ્યના નાગરિકો માટેની આકસ્મિક તબીબી સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રીની સૂચનાને પગલે, રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રથી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોની 542 સામાન્ય એમ્બ્યુલન્સોનું સંચાલન હવે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા કરવામાં આવશે.
આ તમામ 542 નવી એમ્બ્યુલન્સોનો ઉપયોગ દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં (ઇન્ટર-ફેસિલિટી ટ્રાન્સફર-IFT) રેફર કરવા તેમજ નજીકના ઇમરજન્સી કેસોમાં મદદ કરવા માટે 108 સેવા દ્વારા કરવામાં આવશે. જેમાં રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની 118, સામુહિક આરોગ્ય કેન્દ્રોની 310, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોની 59, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોની 31 અને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોની 21 એમ્બ્યુલન્સોનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે રાજ્યમાં હાલમાં 108 એમ્બ્યુલન્સ સેવા હેઠળ 800 ALS/BLS એમ્બ્યુલન્સ અને 38 આઇસીયુ ઓન વ્હીલ્સ કાર્યરત છે. આ વર્ષે નવી 119 જેટલી 108 એમ્બ્યુલન્સનો ઉમેરો થતાં કુલ 957 જેટલી 108 એમ્બ્યુલન્સો નાગરિકોની સેવામાં ઉપલબ્ધ થશે. વધુમાં, આ 542 એમ્બ્યુલન્સોનો કાફલો પણ 108 સાથે જોડાતા હવે રાજ્યમાં કુલ 1499 જેટલી એમ્બ્યુલન્સ આકસ્મિક પરિસ્થિતિમાં લોકોની સેવામાં તત્પર રહેશે.
રાજ્યમાં 542 એમ્બ્યુલન્સોને લોકોની સારવાર માટે ઉપલબ્ધ કરાવવાના ફાયદા જણાવતા જણાવાયું છે કે, છેલ્લા બે વર્ષમાં 108 સેવા દ્વારા 28.69 લાખ લોકોને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી છે. હવે આ નવી એમ્બ્યુલન્સોના ઉમેરાથી તબીબી કટોકટીની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવી શકાશે. ઇમરજન્સી કેસ અને આંતર-સુવિધા ટ્રાન્સફરના હાલના રોજના 350 થી 400 કેસોના કાર્યભારણને પહોંચી વળવામાં સરળતા રહેશે અને રિસ્પોન્સ ટાઈમમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. હાલમાં ગ્રામીણ વિસ્તારમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 21.04 મિનિટ અને શહેરી વિસ્તારમાં 11.26 મિનિટ છે, જેને ઘટાડીને સરેરાશ 10 મિનિટ સુધી લાવવાનો લક્ષ્યાંક છે.
સ્માર્ટ રેફરલ સિસ્ટમ (SRS) દ્વારા તમામ ગંભીર દર્દીઓના પરિવહનનું યોગ્ય ટ્રેકિંગ થઈ શકશે અને યોગ્ય સમયે યોગ્ય દર્દીને યોગ્ય હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત થશે. આ ઉપરાંત, હોસ્પિટલોમાં ઉપલબ્ધ વાહન સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાશે અને સામાન્ય તેમજ ગંભીર ઇમરજન્સી અને રેફરલ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. તમામ એમ્બ્યુલન્સોમાં પ્રિહોસ્પિટલ કેર માટે એકસમાન પ્રોટોકોલ, દવાઓ, તાલીમબદ્ધ કર્મચારીઓ અને તબીબી સાધનો ઉપલબ્ધ હોવાથી દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર મળી રહેશે. દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં પણ એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા વધશે અને ગ્રામીણ વિસ્તારોમાં ઝડપી સેવા મળી શકશે. તમામ એમ્બ્યુલન્સો GPS ટ્રેકિંગથી સજ્જ હોવાથી કાર્યક્ષમતામાં સુધારો થશે અને ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિઓમાં રાજ્ય કક્ષાએથી વધુ અસરકારક સંકલન કરી શકાશે. રાજ્યમાં દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી તમામ એમ્બ્યુલન્સ સેવાઓની માહિતી હવે એક જ સંસ્થા 108 EMRI GHS પાસે ઉપલબ્ધ રહેશે.
રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર વ્યવસ્થાને કાર્યરત કરવા માટે વાર્ષિક 104.77 કરોડ રૂપિયાના બજેટનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
