<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

આપત્તિના સંજોગોમાં ટેલિફોન નેટવર્ક ખોરવાય તો... ત્વરિત રિસ્ટોરેશન કરવા બાબતે નર્મદા અધિક કલેક્ટરની બેઠક યોજાઈ

નર્મદા જિલ્લામાં ટેલિકોમ સેવાઓ પુરી પાડતી કંપનીના પ્રતિનિધિઓ સાથે નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

(ભરત શાહ દ્વારા )નર્મદા:દેશ અને રાજ્યમાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નર્મદા  જિલ્લામાં ભવિષ્યમાં કોઈ આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા સમયે તાત્કાલિક હાથ ધરવાની થતી કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરૂં આયોજન- કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ટેલિકોમ સેવાઓ પુરી પાડતી કંપનીઓ દ્વારા કરવાની થતી વૈકલ્પિક વ્યવસ્થા તેમજ પૂર્વ તૈયારી અંગે આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ ટેલિકોમ કંપનીના મેનેજર-પ્રતિનિધિઓ સાથે નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
  આ બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડએ જણાવ્યું કે, જિલ્લામાં આકસ્મિક પરિસ્થિતિ સંજોગોનું નિર્માણ થાય તેવા સંજોગોમાં નાગરિકો સુધી ઝડપથી કોમ્યુનિકેશન માધ્યમથી પહોંચવા માટે એકમાત્ર રસ્તો મોબાઈલ નેટવર્ક છે. આ નેટવર્કને ૨૪X૭ કલાક કાર્યરત રાખવા માટે જરૂરી તમામ સાવચેતી, તમામ કંપનીઓએ પોતાનો ઈમરજન્સી પ્લાન તૈયાર કરી વહીવટી તંત્રને ઝડપી સબમીટ કરે, જિલ્લામાં આવેલા મોબાઈલ ટાવરો અને મહત્વના પોઈટનું મેપિંગ થાય, સેલ્ફ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ એક્ટિવેટ કરવા માટેની તૈયારીઓ, આરોગ્ય સેવાઓ અને બચાવ દળોના આકસ્મિત સંજોગોમાં સંપર્ક કરવા માટેની અલાયદી વ્યવસ્થા, જિલ્લા કક્ષાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રમાં વધારાની ટેલિફોન લાઈન, જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં ટેલિફોન લાઈનો ચકાસી લેવી, કોઈપણ સંજોગોમાં નેટવર્ક ઈસ્યુ આવે તો તેને રિસ્ટોર કરવા માટેની તમામ સાધન સામગ્રી, ડી.જી.સેટ માટે ડિઝલની પુરતી માત્રામાં જથ્થો ઉપલબ્ધ રાખવા ઉપર નિવાસી અધિક કલેક્ટરે ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં નાયબ કલેક્ટર સુશ્રી વિધુબેન ખૈતાન, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, ડિઝાસ્ટર મામલતદાર, જિલ્લામાં ટેલિકોમ સેવા પુરી પાડતી BSNL, ભારત બેન્ડ તથા ખાનગી મોબાઈલ નેટવર્ક કંપનીના મેનેજર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

(11:29 PM IST)