News of Sunday, 11th May 2025
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો: ઠેર ઠેર માવઠું : જાણો ક્યાં -ક્યાં વરસાદ વરસ્યો
જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, રાજકોટ જિલ્લા અને તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો

અમદાવાદ :આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં માવઠું થતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અનેક ભાગોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, રાજકોટ જિલ્લા અને તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.
જામગર જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે.હવામાન વિભાગની આગાહીને પગલે જામનગરના જામજોધપુર પંથકમાં કમોસમી વરસાદ થયો હતો. જામજોધપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા અસહ્ય બફાર બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદ થતા ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
અમરેલી શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મળતી માહિતી મુજબ, અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. અમરેલીના વડેરા, નાના ભંડારીયામાં અનરાધાર વરસાદથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે. ચલાલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. સાવરકુંડલા શહેરમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતાં જાણે ચોમાસુ જામ્યુ હોવાય તેમ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. બગસરાના સુદાવડ ગામમાં ધોધમાર પવન સાથે વરસાદ થતા સાપર, સુડાવડ લૂગહ્યા ગામમાં જગતનો તાત ચિંતાતૂર બન્યો છે.ઉવાળુ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સેવાઇ રહી છે.
દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત છે. ખંભાળિયા, કલ્યાણપુર તેમજ ભાણવડ પંથકમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી પ્રસરી હતી. કલ્યાણપુર તાલુકાના બાકોડી, રાવલ ટંકારિયા જેવા ગામોમાં તોફાની વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂત ચિંતામાં મુકાયો છે. બગવદર,ભારવાળા,આદિતયાણા, રાણાવાવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે ઉનાળુ પાકને ભારે નુકશાન થવાની ખેડૂતોને ચિંતા વર્તાઇ રહી છે.
જૂનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ પડયો હતો.જૂનાગઢના માંગરોળ અને માળીયાહાટીના પંથકમાં વરસાદ વરસ્યો. ગત રોજ પણ માળીયાહાટીના તાલુકાના વાદરવડ ગામમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયુ હતું,જ્યારે આજેપણ માંગરોળ પંથકમાં ગામડાઓમાં ધોધમાર ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા.
આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય સોમવાર-મંગળવારના પણ અનેક જિલ્લામાં હળવા વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
