News of Sunday, 11th May 2025
નિકોલમાં યુવતીના મિત્રએ કરી એકતરફી પ્રેમમાં પાગલ યુવકની હત્યા
તેમના ફ્લેટમાં અન્ય બ્લોકમાં રહેતા હર્ષ ઉર્ફે જીગો પરમાર સાથે ભાવેશને ઝઘડો થયો હતો અને બન્ને વચ્ચે મારામારી થઈ

અમદાવાદમાં મોટર સાયકલની ચાવીથી હુમલો કરવામાં આવતા એક યુવકનું મોત થયુ છે, આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
નિકોલ પોલીસે હત્યાના ગુનામાં હર્ષ જીતુભાઈ પરમાર નામના યુવકની ધરપકડ કરી છે, આ યુવકે ભાવેશ શ્રીમાળી નામના યુવકની સરાજાહેરમાં હત્યા કરી નાખતા તેની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વાત કરીયે તો શનિવાર બપોરના 3 વાગે આસપાસ ભાવેશ શ્રીમાળી ઘરેથી નીકળ્યો હતો અને પોણા ચાર વાગે તેના પિતાને તેમના જ ફ્લેટમાં રહેતી સંજના નામની યુવતીએ ફોન કરી નીકોલમાં નેન્સી બ્યુટી પાર્લર પાસે બોલાવ્યા હતા. ભાવેશના પિતા મહેશભાઈ શ્રીમાળી ત્યાં પહોંચતા ભાવેશને ઈજાગ્રસ્ત હાલતમાં જોયો હતો, આસપાસના લોકોએ તેમને જણાવ્યું કે તેમના ફ્લેટમાં અન્ય બ્લોકમાં રહેતા હર્ષ ઉર્ફે જીગો પરમાર સાથે ભાવેશને ઝઘડો થયો હતો અને બન્ને વચ્ચે મારામારી થઈ છે.
જે સમયે ભાવેશને હર્ષે તીક્ષ્ણ હથિયારથી છાતીના નીચેની ભાગમાં હુમલો કરતા તે લોહીલુહાણ હોવાથી ભાવેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ ભાવેશ શ્રીમાળીને મૃત જાહેર કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવેશ શ્રીમાળી નિકોલમાં તાપી એપાર્ટમેન્ટ ખાતે રહેતો હતો અને તેના જ ફ્લેટમાં રહેતી સંજના નામની યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો. સંજનાને સમાજના યુવક સાથે સગાઈ થઈ ગઈ હોવા છતાં તે સંજનાને હેરાન કરતો હતો. શનિવારે પણ સંજના તેના મિત્ર હર્ષ પરમાર સાથે ગામડે જઈ રહી હતી, ત્યારે ભાવેશ શ્રીમાળીને બન્નેને રસ્તા વચ્ચે રોકી ઝઘડો કર્યો હતો, જે દરમિયાન બન્ને વચ્ચે મારામારી થતા આ બનાવ બન્યો હતો. જોકે પોલીસે આ મામલે સંજનાનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં મોતને ભેટનાર ભાવેશ શ્રીમાળી પિરામલ ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો, જ્યારે હર્ષ પરમાર ટીસીએસ કંપનીમાં સિક્યુરીટીમાં નોકરી કરે છે, તેવામાં આ હત્યા પાછળનું ખરુ કારણ શું છે તે જાણવા માટે પોલીસે ઘટના સમયે હાજર યુવતીની પુછપરછ હાથ ધરી છે, જેની પુછપરછમાં આ બનાવ પાછળની સાચી હકિકત સામે આવશે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
