News of Sunday, 11th May 2025
ગુજરાતમાં કમોસમી વરસાદ : અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ : દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૨.૮૩ ઇંચ : જાણો આજે સાંજે 6 સુધીમાં ક્યાં કેટલો વરસાદ
જામનગર અને જૂનાગઢ જિલ્લાના અમુક તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ : ખેડૂતો ચિંતાતુર

રાજકોટ: ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદનું જોર જોવા મળ્યું હતું, જેના કારણે અનેક જિલ્લાઓના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેમ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.
આજે સાંજે 6 વાગ્યા સુધીનાં આંકડાઓ અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૨.૮૩ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં ૧.૭૭ ઇંચ અને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ૧.૫૭ ઇંચ વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, જૂનાગઢના માણાવદર અને અમરેલીના ધારી તાલુકામાં ૧.૩૮ ઇંચ, જામનગરના લાલપુર તાલુકામાં ૧.૦૨ ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના પોશીનામાં ૦.૭૧ ઇંચ, અમરેલીના લાઠી અને રાજકોટના લોધિકામાં ૦.૬૭ ઇંચ, અમરેલીના બાબરામાં ૦.૫૯ ઇંચ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢના વિસાવદર અને કચ્છના અંજાર તથા જામનગરના ધ્રોલ તાલુકામાં ૦.૩૯ ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પોરબંદરના રાણાવાવમાં પણ ૦.૨૦ ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છના ભુજ, પોરબંદર શહેર અને જૂનાગઢના કેશોદમાં ૦.૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છના મુંદ્રા અને અમરેલી શહેરમાં ૦.૦૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે આ સમયે તૈયાર પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
