તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 12th May 2025
ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી : સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનારા ૧૪ તત્વોની ધરપકડનાં આદેશ
ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ વડાએ દેશની સુરક્ષા અને સૈન્યના મનોબળને નુકસાન પહોંચાડનારા સામે તત્કાળ કાયદેસરના પગલાં ભરવા આદેશ આપ્યા : રાજ્યભરમાં એલર્ટ

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને લઈને સોશિયલ મીડિયા પર દેશવિરોધી અને નકારાત્મક પોસ્ટ કરનારા ૧૪ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ પોલીસ વડા વિકાસ સહાયે આવા રાષ્ટ્રવિરોધી તત્વોને કાયદાના સકંજામાં લેવા માટે સમગ્ર પોલીસ તંત્રને એલર્ટ કરી દીધું છે.
પોલીસ વડા વિકાસ સહાયે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશની વિરુદ્ધમાં, નકારાત્મક અથવા ભારતીય સૈન્યનું મનોબળ તોડી શકે તેવી ખોટી માહિતી, અફવાઓ ફેલાવશે અથવા તો સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકે તેવી કોઈપણ પોસ્ટ કરશે, તેની સામે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ છેલ્લા કેટલાક સમયથી આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી હતી. આ દરમિયાન, ૧૪ જેટલા લોકોએ રાષ્ટ્રવિરોધી લખાણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જે લોકોમાં વૈમનસ્ય ફેલાવી શકે છે અને દેશના સૈનિકોના મનોબળને નબળું પાડી શકે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી આ તમામ ૧૪ લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
આ ગુનાઓ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નોંધાયા છે, જેમાં ખેડા અને ભુજમાં બે-બે કેસ નોંધાયા છે, જ્યારે જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરામાં એક-એક કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આ તમામ આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે અને તેમને કાયદા અનુસાર સખત સજા મળે તે માટે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય પોલીસ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે અને સોશિયલ મીડિયા પર દેશવિરોધી પ્રવૃત્તિ કરનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
