<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

૧૦થી વધુ કર્મી હોય ત્‍યાં મહિલાઓની જાતીય સતામણી અંગે સમિતિ જરૂરી

એમ્‍પ્‍લોયરે મહિલાના સમાવેશ સાથે આંતરિક કે સ્‍થાનિક સમિતિ બનાવવી જરૂરી

અમદાવાદ,તા.૧૩: રાજ્‍યમાં કામકાજના સ્‍થળે હવે મહિલાઓ મોટી સંખ્‍યામાં કર્મચારી તરીકે કામગીરી કરતી હોય છે ત્‍યારે કામકાજના સ્‍થળે જાતીય સતામણી અટકાવવા માટે જ્‍યાં ૧૦ કે તેથી વધુ કર્મચારી (કામદારો)ની સંખ્‍યા હોય ત્‍યાં મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે ફરજિયાત આંતરિક સમિતિ રચવા રાજ્‍ય સરકારે સૂચના બહાર પાડી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અવારનવાર સરકારી કચેરી, શૈક્ષણિક સંસ્‍થાનો સહિત અનેક સ્‍થળે મહિલા કર્મચારીઓની જાતીય સતામણી થવાની ફરિયાદ પણ ઉઠતી હોય છે તેને ધ્‍યાનમાં રાખીને પુનઃ તાકીદ કરવામાં આવી છે. 

સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા કામકાજના સ્‍થળે મહિલાની જાતીય સતામણી અંગે અગાઉની જોગવાઇઓ બાદ કેટલીક વિસંગતતાઓ અંગે નવેસરથી સૂચના જારી કરાઇ છે. મહિલાઓની જાતીય સતામણી એક્‍ટ-૨૦૧૩ની જોગવાઇનું પાલન થાય તે માટે કામકાજના સ્‍થળે આંતરિક ફરિયાદ સમિતિને બદલે આંતરિક સમિતિ કે સ્‍થાનિક સમિતિની રચના દરેક એમ્‍પ્‍લોયર કે નિમણૂક કરનારાએ લેખિતમાં આદેશ કરીને કરવાની રહેશે. જેમાં કામગીરીના સ્‍થળે વરિષ્ઠ કક્ષાના કે તે સ્‍તરના મહિલા અધિકારીને પ્રમુખ અધિકારી ગણવાના રહેશે. જો આ મહિલા અધિકારી ઉપલબ્‍ધ ન હોય તો વહીવટી વિભાગની અન્‍ય કચેરીમાંથી મહિલા અધિકારીની નિયુક્‍તિ કરવાની રહેશે. સમિતિના એક સભ્‍ય મહિલાલક્ષી હેતુ માટે પ્રતિબદ્ધ હોય તેવા બિન સરકારી સંગઠન અથવા જાતીય સતામણી સમસ્‍યાઓના વિષયથી પરિચિત હોય કે સામાજિક કાર્યનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા વ્‍યક્‍તિની નિમણૂક કરવાની રહેશે. સમિતિના કુલ સભ્‍યોમાં ઓછામાં ઓછા ૫૦ ટકા સભ્‍ય મહિલા હોવી જોઇએ. એટલું જ નહીં, સામાજિક કાર્ય કે કાયદાકીય જાણકારી ધરાવતા હોય તેવા પણ બે સભ્‍યની નિમણૂક કરી શકાશે.(૪૦.૪)

(9:39 AM IST)