તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
દુષ્કર્મ પીડિતા, ૩૩ સપ્તાહનો ગર્ભઃરાજકોટની કિશોરીને એબોર્શન કરાવવા હાઈ કોર્ટની મંજૂરી
દેશનો પ્રથમ કિસ્સોઃ કાયદાકીય દૃષ્ટિએ ૨૪ સપ્તાહના ગર્ભના એબોર્શનની મંજૂરી છે : પીડિતાને ૧.૯૯ કિલોનો ગર્ભ બ્લડની વ્યવસ્થા, એક્સ્પર્ટ ડોક્ટરોને હાજર રહેવા ખાસ તાકીદ

અમદાવાદ તા.૧૩: મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી અમેન્ડમેન્ટ બિલની જોગવાઈ હેઠળ સામાન્ય સંજોગોમાં ૨૪ સપ્તાહ સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી હોય છે પરંતુ રાજકોટની એક ૧૩ વર્ષીય સગીરા કે જે ખુદ તેના પાડોશી દ્વારા જ દુષ્કર્મનો ભોગ બની હતી અને ૩૩ સપ્તાહનો ગર્ભધરાવી રહી હતી, તેને ગર્ભપાત કરાવવા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઈએ મંજૂરી આપી હતી. હાઈકોર્ટે પીડિતાના મેડિકલ રિપોર્ટને ધ્યાનમાં લઇ સગીરાના ગર્ભના ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતો હુકમ કર્યો હતો. પીડિતા અને તેના વાલીને ગર્ભના ગર્ભપાતના જોખમ સહિતના પાસાઓની તેઓ સમજી શકે તે ભાષામાં જાણકારી આપી તેઓની લેખિતમાં સહી મેળવ્યા બાદ ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. રાજકોટની પીડીયુ જનરલ હોસ્પિટલના સિનિયર મોસ્ટ ગાયનેકોલોજીસ્ટ, સાયકોલોજીસ્ટ સહિતના નિષ્ણાત તબીબની ટીમને ગર્ભપાત દરમ્યાન હાજર રહેવા અને પીડિતાની ઉમંરને લઈ તેની ખાસ કાળજી લેવા અને ધ્યાન રાખવા પણ નિર્દેશ કર્યો હતો.
રાજકોટની ૧૩ વર્ષીય સગીરા તરફથી કરાયેલી રિટ અરજીમાં હાઈ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ૧૩ વર્ષીય સગીરાને ખુદ તેના પાડોશી આરોપીએ જ તેની કુમળી વય અને માનસિકતાનો ગેરલાભ ઉઠાવી તેને દુષ્કર્મનો ભોગ બનાવી હતી, જેના કારણે તે ગર્ભવતી બની હતી. જો કે, પીડિતાની માનસિક, સામાજિક અને શારીરિક સ્થિતિ અને સંજોગોને જોતાં તેણી બાળકને જન્મ આપવા ઇચ્છતી નથી અને ગર્ભપાત કરાવવા માંગે છે.
હાઇકોર્ટે રાજકોટની પંડિત દિનદયાળઉપાધ્યાય જનરલ હોસ્પિટલને પીડિતાની મેડિકલ તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જેના અનુસંધાનમાં સરકારપક્ષ તરફથી રિપોર્ટ રજૂ કરી જણાવાયું હતું કે, હાલ પીડિતાને ૩૩ સપ્તાહનો ગર્ભ રહેલો છે અને તેના ગર્ભપાતમાં હાઈરિસ્ક પણ રહેલું છે., તેણીને ૧.૯૯ કિલોનો ગર્ભ છે. પીડિતા એનીમીયા અને માઇલ્ડ ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટીથી પણ પીડિત હોવાનું સામે આવ્યું હતું. તેથી એનીમીયાના મૂલ્યાંકન અને તેની સુધારણા બાદ ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરી શકાય તેમ હોવાનું નિષ્ણાત ડોકટરોની પેનલે રિપોર્ટમાં સૂચિત કર્યું હતું. જેને પગલે હાઈકોર્ટે સગીરાના ૩૩ સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી હતી અને ઓપરેશન કે પ્રક્રિયા દરમ્યાન લોહીની વ્યવસ્થા રાખવા અને એક્સપર્ટ ડોકટરોને હાજર રહેવા ખાસ તાકીદ કરી હતી.(૩૮.૭)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
