તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
ગીર પંથકમાં સિંહ વસ્તી ગણતરીનો પ્રારંભ : ૧૧ જિલ્લાના ૫૮ તાલુકામાં ૨,૯૦૦થી વધુ કર્મચારીઓ જોડાયા
૧૬મી સિંહ વસ્તી અંદાજ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ : ચોકસાઈ પર ભાર

ગાંધીનગર, તા. ૧૩ મે, ૨૦૨૫ (મંગળવાર) - ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. તા. ૧૦ થી ૧૩ મે, ૨૦૨૫ દરમિયાન બે તબક્કામાં યોજાઈ રહેલી આ ગણતરીમાં રાજ્યના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લાના ૫૮ તાલુકાઓનો સમાવેશ થાય છે.
ધારી ગીર પૂર્વ વન વિભાગમાં સિંહ વસ્તીના અંદાજની કામગીરી ચાલી રહી છે, જેમાં રિજનલ અધિકારી, ઝોનલ અધિકારી, ગણતરીકાર અને સ્વયંસેવકો સહિત ૫૧૧ જેટલા વ્યક્તિઓ જોડાયા છે અને તેમની સેવાઓ આપી રહ્યા છે. સમગ્ર એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે ૩૫,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાઓમાં ૮ રિજિયન, ૩૨ ઝોન અને ૧૧૨ સબ ઝોનમાં આ વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
૧૬મી સિંહ વસ્તી અંદાજની કામગીરી અંતર્ગત વન વિસ્તારમાં બીટ મુજબ અને વન વિસ્તારની બહાર ૩ થી ૧૦ ગામોના જૂથ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. અવલોકન રેકોર્ડિંગ માટે ૨૪ કલાકનો સમય નક્કી કરાયો છે, જેમાં પ્રાથમિક અને આખરી અંદાજની કામગીરીનો સમાવેશ થાય છે. ડેટા રેકોર્ડિંગમાં સમય, જીપીએસ લોકેશન, સિંહોના ચિન્હો, ફોટા અને તેમની હિલચાલની દિશા જેવી બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી વિગતો નોંધાઈ રહી છે.
ડેટાના એકત્રીકરણ, સંકલન, નિષ્કર્ષણ અને આલેખન માટે જી.આઈ.એસ અને સ્ટેટેસ્ટિકલ સોફ્ટવેરની મદદ લેવામાં આવી રહી છે. ડેટા વિશ્લેષણ બાદ સિંહોની વસ્તીનો અંતિમ અંદાજ તૈયાર કરવામાં આવશે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત વર્ષ ૧૯૩૬માં આ ગણતરી યોજાઈ હતી. ૧૬મી સિંહ વસ્તી ગણતરીના અંદાજ માટે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.
એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતા રહેતી હોવાથી લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે અને ભૂલની શક્યતા નહિવત્ રહે છે. ત્રણ દાયકાથી વધુ સમયથી અમલમાં રહેલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો અને મહેસૂલી વિસ્તારોમાં અસરકારક રીતે કાર્ય કરે છે.
૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫ ની કામગીરીમાં ૮ રિજિયનમાં રિજનલ અધિકારી, ઝોનલ અધિકારી, સબ ઝોનલ અધિકારી, ગણતરીકાર, મદદનીશ ગણતરીકાર, ઓબ્ઝર્વર અને સ્વયંસેવકો સહિત અંદાજે ૨,૯૦૦ થી વધુ માનવબળ ફરજ બજાવે છે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેના પરિણામે રાજ્યમાં સિંહ સંવર્ધનને કારણે સિંહ વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે.
પ્રાપ્ત અંદાજિત આંકડા અનુસાર, વર્ષ ૧૯૯૫માં થયેલી સિંહોની વસ્તી ગણતરીમાં ૩૦૪ સિંહ નોંધાયા હતા, ત્યારબાદ વર્ષ ૨૦૦૧માં ૩૨૭, વર્ષ ૨૦૦૫માં ૩૫૯, વર્ષ ૨૦૧૦માં ૪૧૧, વર્ષ ૨૦૧૫માં ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં ૬૭૪ સિંહોની વસ્તી નોંધાઈ હતી.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
