<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

અમદાવાદીઓ માણશે રસાયણમુક્ત કેરીની મિજબાની : વસ્ત્રાપુર હાટમાં કેસર કેરી મહોત્સવનો આવતીકાલે પ્રારંભ

કૃષિ મંત્રી રાઘવજી પટેલ કરાવશે શુભારંભ : એક મહિના સુધી ૮૫ સ્ટોલ પરથી સીધું વેચાણ

અમદાવાદ, તા. ૧૩ મે, ૨૦૨૫ - અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો હવે ઉનાળાની ગરમીમાં રસાયણમુક્ત અને મીઠી કેરીનો સ્વાદ પોતાના ઘરઆંગણે જ માણી શકશે. ગુજરાતમાં કુદરતી રીતે પાકેલી કેરીનું સીધું વેચાણ શહેરીજનોને કરીને ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે યોજાનારા આ કેરી મહોત્સવનો શુભારંભ આવતીકાલે, તા. ૧૪ મે, ૨૦૨૫ના રોજ કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ કરાવશે. આ પ્રસંગે કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ તેમજ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા પણ ઉપસ્થિત રહેશે. આ કેસર કેરી મહોત્સવ આગામી તા. ૧૩ જૂન સુધી ચાલશે.
કેસર કેરી મહોત્સવ-૨૦૨૫માં ઊભા કરાયેલા આશરે ૮૫ જેટલા સ્ટોલ ખેડૂત મંડળીઓ, નેચરલ ફાર્મિંગ એફપીઓ અને વ્યક્તિગત કેરી ઉત્પાદક ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. આ મહોત્સવ માત્ર ખરીદીનું સ્થળ જ નહીં, પરંતુ શહેરી ગ્રાહકો અને ગ્રામીણ ઉત્પાદકો વચ્ચે સીધો સંવાદ અને વિશ્વાસનું માધ્યમ બનશે.
આ મહોત્સવની મુલાકાત લઈને શહેરીજનો સીધા કેરી પકવતા ખેડૂતો પાસેથી તાજી અને કાર્બાઈડ મુક્ત કેરી ખરીદી શકશે. આ મહોત્સવમાં નાગરિકોને તલાલા-ગીર, જૂનાગઢ, અમરેલી, કચ્છ, વલસાડ અને નવસારી જેવા પ્રદેશોની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ કેરીઓ ખરીદવા માટે ઉપલબ્ધ થશે.
કેરી પકવતા ખેડૂતો તેમની કાર્બાઈડ ફ્રી કેરી સીધી શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર “કેસર કેરી મહોત્સવ” જેવું એક પ્લેટફોર્મ પૂરું પાડીને ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ઝુંબેશમાં સહભાગી થઈ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા અને રસાયણમુક્ત તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોને પ્રોત્સાહિત કરવા માટે આવા વિશેષ આયોજન હાથ ધરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૦૭થી કેસર કેરી મહોત્સવની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ દર વર્ષે ઉનાળા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આ કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩માં યોજાયેલા “કેસર કેરી મહોત્સવ”માં અમદાવાદીઓએ માત્ર એક જ મહિનામાં રેકોર્ડબ્રેક ૨.૭૦ લાખ કિલોગ્રામથી વધુ કેરીની ખરીદી કરી હતી.

 

(1:54 PM IST)