<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

જી.પી.એસ.સી.માં ઇન્‍ટરવ્‍યુના પ૦ ટકા ભારાંકથી ઉમેદવારોને બહુ અન્‍યાય

 

અમદાવાદ, તા. ૧૩: સરકારી વિનયન, વાણિજ્‍ય અને વિજ્ઞાન કોલેજોમાં મદદનીશ પ્રાધ્‍યાપકની ભરતી કરવા તથા સદર સંવર્ગમાં ઇન્‍ટરવ્‍યૂના ૫૦ ટકા માતબર ભારાંકમાંથી ઘટાડો કરીને ૧૦ થી ૧૩.૫૦ ટકા કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના મીડીયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડો. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મૌખિકના ૫૦ ટકા ભારાંકની નિતિના કારણે હજારો યુવાન યુવતીઓને અન્‍યાય થઈ રહ્યો છે યુનિયન પબ્‍લીક સર્વિસ કમિશન (UPSC)માં પણ ઇન્‍ટરવ્‍યુનું ભારાંક ૧૦ થી ૧૩.૫૮ ટકા હોય છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની વિવિધ ભરતીમાં ૫૦ ટકા ભારાંકથી અન્‍યાયની લાગણી ઉભી થઈ છે.

ઉત્તર પ્રદેશમાં ૧૩.૦૪, મધ્‍ય પ્રદેશમાં ૧૧.૧૧, રાજસ્‍થાનમાં ૧૦.૭૧, હરિયાણામાં ૧૨.૦૫, છતીસગઢમાં ૯.૦૯ ટકા ઇન્‍ટરવ્‍યુનું ભારાંક છે. જ્‍યારે ગુજરાતમાં હાલમાં ભરતીમાં મૌખિક ઇન્‍ટરવ્‍યુનું ભારાંક ૫૦ ટકા રાખવામાં આવે છે. ભારાંકની પદ્ધતિ ગેરબંધારણીય હોવાથી એમાં સુધારો કરવા આવશ્‍યક છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાતી આસિસ્‍ટન્‍ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્‍ટરવ્‍યુનું ભારાંક ઘટાડવું અત્‍યંત જરૂરી છે.

મદદનીશ પ્રાધ્‍યાપક સંવર્ગની ભરતીમાં લેખિત પ્રાથમિક પરીક્ષા ૩૦૦ ગુણની અને તેના પરિણામ ના આધારે ઇન્‍ટરવ્‍યૂ માટે પસંદગી પામે છે અને ઇન્‍ટરવ્‍યૂ ૧૦૦ ગુણ નું લેવામાં આવે છે. જેના આધારે ઉમેદવારની આખરી પસંદગી માટે ફાઈનલ મેરીટ લિસ્‍ટ બને છે. ગુજરાત જાહેર સેવા આયોગ પ્રમાણે ફાઈનલ મેરીટનો કુલ ૧૦૦ ગુણભાર છે. લેખિત પ્રાથમિક પરીક્ષાના કુલ ગુણ ૩૦૦ ને ૬ વડે ભાગીને ૫૦ ગુણભારમાં રૂપાંતર કરવામાં આવે છે. ઇન્‍ટરવ્‍યૂના કુલ ૧૦૦ ગુણ ને ૨ વડે ભાગીને ૫૦ ગુણભારમાં રૂપાંતર કરવામાં આવે છે. તાત્‍પર્ય માત્ર એટલું જ કે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના લેખિત પ્રાથમિક પરીક્ષાનો ફાઈનલ મેરીટમાં ૫૦ ગુણભાર અને સૂત્ર ના આધારે ૬ વડે ભાગતા લેખિત પ્રાથમિક પરીક્ષાનું મૂલ્‍ય ખૂબ ઘટી જાય છે. અને ઇન્‍ટરવ્‍યૂ નો અતિશય ૫૦ ગુણભાર પસંદગી માટેનો મોટો માપદંડ બને છે. લેખિત પરીક્ષામાં તેજસ્‍વી પરીક્ષાર્થી ઇન્‍ટરવ્‍યૂ ના ૫૦ ટકા ગુણભારના કારણે પસંદગીમાંથી બાકાત રહે છે. Ashokkumar Yadav And Ors. etc. Vs. State of Haryana And ors etc. On 10th May ૧૯૮૫ ના નામદાર સુપ્રીમ કોર્ટનાં ચુકાદામાં અન્‍ય રાજયના જાહેર સેવા આયોગની પરીક્ષાઓમાં પણ ઇન્‍ટરવ્‍યૂનો મહત્તમ ૧૨.૨ ટકા  કરતા વધુ ભારાંક ના હોય તેમ સૂચવેલ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા સરકારી વિનયન, વાણિજ્‍ય અને વિજ્ઞાન કોલેજો ખાતેની મદદનીશ પ્રાધ્‍યાપક વર્ગ -૨ની જગ્‍યાઓ માટેની પરીક્ષાનું આયોજન કરીને ભરતી કરવામાં આવે છે. ઉચ્‍ચ શિક્ષણ વિભાગના આ સંવર્ગની છેલ્લે કુલ ૧૮૬ જગ્‍યાઓની ભરતીની જાહેરાત વર્ષ ૨૦૨૦માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ત્‍યારબાદ છેલ્લા પાંચ વર્ષ જેટલા લાંબા સમયગાળાથી મદદનીશ પ્રાધ્‍યાપક વર્ગ -૨ ભરતી માટેની કોઈ જાહેરાત આવી નથી. તાજેતરમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ૧૦ વર્ષીય ભરતી કેલેન્‍ડરમાં હાલની સ્‍થિતિએ આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર મંજૂર મહેકમ ૧૭૮૬ અને તે પૈકી ચોખ્‍ખી ખાલી જગ્‍યા ૪૨૪ એટલે કે ટકાવારીમાં મંજૂર મહેકમના ૨૩.૭૪ ટકા આસિસ્‍ટન્‍ટ પ્રોફેસરની જગ્‍યાઓ ખાલી છે. ગુજરાત જાહેર સેવા આયોગની ઈન્‍ટરવ્‍યુમાં ૫૦ ટકા ભારાંકની અન્‍યાયકારી નીતિ બંધ કરવા તેમજ પ્રાધ્‍યાપકોની ભરતી પ્રક્રિયા તાકીદે હાથ ધરવા કોંગ્રેસ પક્ષની માંગ છે.

(2:22 PM IST)