<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

ધોરણ ૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાના પરિણામો : ગુણચકાસણી માટે ઓનલાઇન અરજી આજથી શરૂ

ગુજરાત બોર્ડની વેબસાઇટ પર ૨૦ મે સુધી અરજી કરી શકાશે

 

ગાંધીનગર, તા. ૧૩ મે, ૨૦૨૫ - ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની ફેબ્રુઆરી-માર્ચ- ૨૦૨૫ ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામો બાદ ગુણચકાસણી માટે અરજી કરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે.
બોર્ડની અખબારી યાદી અનુસાર, જે ઉમેદવારો પોતાના ગુણની ચકાસણી કરાવવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પર આજ રોજ બપોરે ૨:૦૦ કલાકથી તા. ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ સાંજના ૫:૦૦ કલાક સુધી ઓનલાઇન અરજી કરી શકશે. બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ પણ રીતે ગુણચકાસણીની અરજી સ્વીકારવામાં આવશે નહીં.
ગુણચકાસણી અરજી માટેની નિયત ફી ઓનલાઇન SBI ePay સિસ્ટમ દ્વારા ભરી શકાશે, જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, જે ઉમેદવારો ઓનલાઇન પેમેન્ટ કરવા ઇચ્છતા નથી તેઓ SBI ePay ના "SBI Branch Payment" ઓપ્શનનો ઉપયોગ કરીને દેશની કોઈપણ SBI શાખામાં ફી ભરી શકશે.
આ અંગે તમામ આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંબંધિતોને નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે. ગુણચકાસણી માટે અરજી કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

(2:27 PM IST)