<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

હાથીજણમાં વિસ્તારમાં રોટવીલર બ્રીડના પાલતુ કૂતરાએ ચાર મહિનાની ફૂલ જેવી માસૂમ બાળકીને ફાડી ખાતાં ફ્લેટના રહીશોમાં ફફડાટ

પ્રતીક ડાભીની 4 મહિના અને 17 દિવસની પુત્રી ઋષિકાને લઇને તેની ફઇ એપાર્ટમેન્ટની નીચે બાકડા પર બેઠી હતી ત્યારે અચાનક જ બાળકી પર એટેક કરી દીધો

હાથીજણ તા.૧૩ :  હાથીજણમાં વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. હાથીજણની રાધે રેસિડેન્સીમાં પાલતુ શ્વાને આજે 4 માસની બાળકીને ફાડી ખાધી. રોટવીલર બ્રીડના પાલતુ કૂતરાના હુમલામાં ચાર મહિનાની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ફૂલ જેવી માસૂમ બાળકીને કૂતરાએ ફાડી ખાતાં ફ્લેટના રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઘરની બહાર નીકળે છે. રાત પડતાંની સાથે જ લોકો ચક્કર મારવા નીકળી પડે છે. ત્યારે હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં ગઇકાલે રાત્રે એક પાલતૂ શ્વાને  યુવતી અને 4 માસની બાળકી પર હુમલો કર્યો હતો. 4 માસની બાળકી પર રોટવીલર બ્રીડના કૂતરાએ એટેક કરતા બાળકીનું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર હાથીજણની રાધે રેસિડેન્સી ખાતે ગઇકાલે રાત્રે એક ભયાનક ઘટના બની હતી. જેમાં પ્રતીક ડાભીની 4 મહિના અને 17 દિવસની પુત્રી ઋષિકાને લઇને તેની ફઇ એપાર્ટમેન્ટની નીચે બાકડા પર બેઠી હતી. તેની આસપાસ બાળકો રમી રહ્યાં હતા. ત્યારે એક યુવતી અચાનક રોટવીલર બ્રીડના પાલતૂ શ્વાનને લઇને નીકળી હતી. યુવતી ફોન પર વાત કરી રહી હતી અને અચાનક જ કૂતરાએ હુમલો કરી દીધો. જેના કારણે કારણે તેના હાથમાંથી કૂતરું છુટી ગયું અને તેણે 4 માસની બાળકી પર એટેક કરી દીધો હતો.

ફૂટેજમાં જોવા મળે છે કે, ઋષિકા તેની ફઇના ખોળામાં છે. હુમલા દરમિયાન બાળકી તેની ફઇના ખોળામાંથી જમીન પર પડી જાય છે અને કૂતરો તેના પર હુમલો કરે છે. નજીકમાં ઉભેલી એક મહિલા છોકરીને બચાવવા દોડી જાય છે અને તેને કૂતરાથી બચાવે છે, તેને ખોળામાં ઉપાડીને ત્યાંથી દૂર લઈ જાય છે. આ પછી બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. જ્યારે પાલતુ શ્વાનના એટેકથી ફ્લેટના રહીશોમાં પણ ફફડાટ જોવા મળ્યો. 

પરિવારે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો અનુસાર બધા પાલતુ કૂતરાઓનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. હવે એ તપાસનો વિષય છે કે આ રોટવીલર કૂતરો તેના માલિક દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલો હતો કે નહીં. બાળકીના મૃત્યુ બાદ સ્થાનિક લોકોમાં રોષ છે. પરિવારે કૂતરાના માલિક વિરુદ્ધ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ સોસાયટીના સભ્યોએ પોલીસને આવેદનપત્ર આપીને કૂતરાના માલિક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

તેમણે કહ્યું કે આ કૂતરો લાંબા સમયથી સોસાયટી માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે અને તાજેતરના ભૂતકાળમાં તેણે બે લોકોને કરડ્યા છે. આ અંગે અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે બાળકીના મૃત્યુ બાદ લોકો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

(4:43 PM IST)