News of Tuesday, 13th May 2025
ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં લીલી ઝંડી આપી
૧૩ થી ૨૩ મે સુધી યોજાનારી રાષ્ટ્રવ્યાપી યાત્રા : આતંકવાદ સામે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવાનો પ્રયાસ : ભવ્ય યાત્રામાં હજારો લોકો જોડાયા

અમદાવાદ : જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા મા ભારતી અને તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં ૧૩ થી ૨૩ મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલી વ્યાસવાડી-ભગવાન પરશુરામ પ્રતિમા પાસેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં જોડાયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂર' કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. આ ઓપરેશન દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ અને તેમના આકાઓને તેમની જ જમીન પર ધૂળ ચાટતા કરીને ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. એટલું જ નહીં, આખું વિશ્વ ભારતીય સેના અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, આ ઘટનાઓએ રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ જાગૃત કર્યો છે. આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશાં કહે છે કે, તિરંગો દેશના લોકોને એક સાથે જોડે છે. આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખવાનો એક મહત્વપૂર્ણ અવસર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ તિરંગા યાત્રા દેશની એકતા અને અખંડિતતા જાળવવાની સાથે આપણી સેનાનું મનોબળ વધારતી યાત્રા છે.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે દુનિયાને બતાવી દીધું છે કે ઝીરો ટોલરન્સ અગેઈન્સ્ટ ટેરરિઝમની નીતિને તે કોઈપણ ભોગે વળગી રહેવા પ્રતિબદ્ધ છે. આપણો તિરંગો સતત ઊંચેને ઊંચે લહેરાતો રહે તે માટે સેનાના જવાનો માતૃભૂમિ માટે ખડેપગે તૈનાત છે, ત્યારે આ તિરંગા યાત્રામાં જોડાઈને તેમનું મનોબળ વધારવાના આ સફળ પ્રયાસને તેમણે બિરદાવ્યો હતો.
યાત્રાની શરૂઆત ભગવાન પરશુરામ પ્રતિમા, વ્યાસવાડીથી થઈ હતી અને નેશનલ હેન્ડલુમ હાઉસ, રાણીપ મેટ્રો સ્ટેશન, આર.ટી.ઓ. સર્કલ થઈને સુભાષચંદ્ર બોઝ સર્કલ ખાતે સમાપ્ત થઈ હતી. આ તિરંગા યાત્રામાં રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ, સ્થાનિક ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને વિવિધ સંસ્થાઓના પ્રમુખો, સંતો-મહંતો, અમદાવાદના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
